ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા આજ રોજ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તેઓએ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો પાક સાચવીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવવા અને તાલપત્રી સાથે રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જનરલ કમિશન એજન્ટ, વેપારીઓ તથા ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે, સરકારની સૂચના મુજબ, તા.13/03/2023 થી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રીથી ઢાંકીને લાવવો તેમજ પતરા વારા શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ બાચકા તથા ગુણીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીંતર બાકીના માલની ઉભા વાહનોની હરરાજી લેવામાં આવશે. આથી દરેક જનરલ કમિશન એજન્ટે પોતાના ખેડૂતોને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ ઘઉં, ચણા, ધાણા અને રાપડાની ઉતરાઈ ખુલ્લા શેડમાં થતી હોય આ વાહનો તાલપત્રી ઢાંકીને લાવવા ખેડૂતોને જાણ કરવામાં આવશે. વેપારીઓએ પોતાનો માલ ઢાંકી દેવા તથા પોતાના ગોડાઉનમાં લઈ લેવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.