વાંકાનેર તાલુકાના સમથેરવા સીમ વિસ્તારમાં રેડ કરી ફાયર કલે ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા બે એક્સકેવેટર મશીનોને સીઝ કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી દરમિયાન આશરે રૂ.૮૦ લાખના મુદામાલ પર કબ્જો મેળવાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે આકસ્મિક રેડ હાથ ધરી હતી. જગદીશ એસ. વાઢેર (ભૂસ્તરશાસ્ત્રી)ની સૂચના અનુસાર થયેલી તપાસ દરમિયાન સ્થળ પર ગેરકાયદેસર રીતે ફાયર કલે ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
ટીમે સ્થળ પરથી એક કોમાત્સુ કંપનીનું પીળા રંગનું એક્સકેવેટર મશીન તથા એક સેની કંપનીનું એક્સકેવેટર મશીન ઝડપ્યું હતું. જેમાં કોમાત્સુ મશીનના માલિક કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા (રહે. ત્રાજપર, મોરબી) અને સેની મશીનના માલિક પ્રવીણભાઈ શેલાભાઈ ફાંગલીયા (રહે. મોરથળા, તા. થાન, જી. સુરેન્દ્રનગર) હોવાનું જાણવા મળ્યું છે.બંને મશીનોને ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમ દ્વારા સીઝ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે. આ કેસમાં ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તંત્રની આ કામગીરીથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.









