મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા અલગ અલગ દિવસે બે જગ્યાએ રેઇડ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે સોખડા ખાતે રેઇડ કરી ત્રણ વાહનો તેમજ માળીયા મિયાણા ખાતે રેઇડ કરી એક વાહન મળી કુલ ચાર વાહનો સહિત અંદાજે ૧.૫૦ કરોડનો મુદ્દામાલ તેમજ બીજા દિવસે હળવદ ખાતે રેઇડ કરી ત્રણ ડમ્પર સહિત કુલ ૫૦ લાખનો મુદ્દામાલ પકડી સીઝ કરવામાં આવ્યો છે. આમ, બે દિવસની રેઇડ દરમિયાન મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા બે કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર,
મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ હેઠળ આકસ્મિક રોડ ચેકીંગ કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે. સોખડા ખાતે આકસ્મિક રેઇડ કરવામાં આવી હતી.
જેમાં ત્રણ ડમ્પર GJ-36-V-4704 માલિક સુરેશભાઈ નાંગળા રહે. લાલપર, GJ-36-X-2643 માલિક કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ, રહે.નસિતપર અને GJ-10-TY-2006 માલિક જયનમભાઈ ચંદુભાઈ રાઠોડ રહે. નાગડાવાસ વાળાને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સ્થળેથી વાહનો પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. તેમજ મોજે- માળીયા (મી) તા-માળીયા(મી) ખાતેથી ન્યૂ ડમ્પર (રજીસ્ટ્રેશન થયેલ નથી) માલિક જીતુભા દરબાર રહે. ખીલોસ તાલુકા જામનગરને ખનીજ સાદી રેતીના ગેરકાયદેસર વહન બદલ સ્થળે વાહન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન માળિયા(મી) ખાતે મુકવામાં આવ્યા છે.
આમ કુલ ૪ વાહનોને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત ૧.૫૦ કરોડનો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તા. ૦૪/૧૨/૨૦૨૪ ના રોજ મોજે. હળવદ પાસે આકસ્મિક રેડ કરી ત્રણ ડમ્પર અનુક્રમે GJ-23-X-6772, GJ-13–X-0133 અને GJ-03-AZ-2953ને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મુકવામાં આવ્યા છે. આમ, કુલ ૩ વાહનોને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત ૫૦ લાખનો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, બે દિવસની કામગીરી દરમિયાન મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા બે કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.