મોરબીમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં કરીયાણાના વેપારીએ ધંધાની જરૂરિયાત માટે વ્યાજે લીધેલા ૨૧ લાખ રૂપિયાનું વ્યાજ આરોપીઓને કટકે-કટકે ૨૬ લાખ તેમજ ૫ લાખનું ૭ લાખ ચૂકતે કર્યું હોવા છતાં વધુ રૂપિયાની માંગણી કરી, રૂપિયા ન આપે તો વેપારી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાની ફરીયાદ હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા, પોલીસે બે વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ બાબતે ફરીયાદી કિશોરભાઈ જીણાભાઈ પરમાર ઉવ.૩૫ રહે. રોલા રાતડીયાની વાડી, મેઈન કેનાલ, મોરબી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ પઢારિયા રહે.નાના રામપર તા.ટંકારા તથા ભરતભાઈ રબારી રાગે. થોરળા તા.જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, દોઢેક વર્ષ પહેલાં કિશોરભાઈએ ઉપરોક્ત બન્ને આરોપીઓ પાસેથી ધંધા બાબતે નાણાની જરૂરત પડતા આ કામના આરોપી પાસેથી સૌ-પ્રથમ હાથ ઉછીના રૂપિયા ૧,૦૦,૦૦૦/- લીધેલ હોય જે બાદ વધુ નાણાની જરૂરત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી કટકે કટકે રૂપિયા ૨૧,૦૦,૦૦૦/- લીધેલ હોય જે રૂપિયા આપી દીધેલ હોય જેનુ નોટરી લખાણ કરેલ હોય તેમ છતા આરોપી પ્રકાશ પઢારીયાએ ફરીયાદી પાસેથી એક લાખના એક દિવસના રૂપિયા ૮૦૦ લેખે વ્યાજ પેટે કટકે કટકે કુલ રૂપિયા ૨૬,૦૦,૦૦૦/- પઠાણી ઉઘરાણુ કરી મેળવી લીધેલ હોય અને હજુ વધુ રૂપિયા ૭૮,૦૦,૦૦૦/- ની માંગણી કરતા હોય જો રૂપિયા નહી આપે તો ફરીયાદી તેમજ તેના પરીવારને મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ બીજા આરોપી ભરત રબારી પાસેથી રૂપિયા ૫,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય તેને કટકે કટકે ૭,૦૦,૦૦૦/- આપી દીધેલ હોય તેમ છતા આરોપી ભરતભાઈ વધુ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ની વ્યાજ સહીત માંગણી કરી અને જો રૂપિયા નહી આપેતો ફરીયાદી તથા તેના પરીવારને મારી નાખવાની ધમકી આપતા હોય. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









