મોરબીવાસીઓ જેની 10 વર્ષથી રાહ જોતા હતા એ મોરબીને મહાનગરપાલિકા બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે. અને આજે જ તેઓના સૌ પ્રથમ મહાનગરપાલિકાના કમીશ્નર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો છે. અને તેઓ ચાર્જ સંભાળ્યાનાં પ્રથમ દિવસે જ એક્શન મોડમાં આવ્યા છે ત્યારે જો કમીશ્નર દ્વારા સતત આ પ્રકારે જ કામગીરી કરવામાં આવશે તો આગામી થોડા દિવસોમાં જ મોરબીની સ્થિતિ વધુ સારી બની શકે તેમ છે.
રાજ્ય સરકાર દ્વારા ગતરોજ 1લી જાન્યુઆરીએ મોરબી સહિત નવ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે, ત્યારે મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી છે. જેઓએ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો છે અને સ્વપ્નિલ ખરે પ્રથમ દિવસે જ એક્શન મોડમાં આવ્યા છે. તેઓએ આજે મોરબી શહેરમાં વિવિધ રસ્તાઓ, બગીચાની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં મોરબીના સરદાર બાગની બદતર હાલત જોઈ કમિશનરે તાત્કાલિક રીપેરીંગ કામગીરી કરવાની સૂચના આપી હતી. તેમજ સ્વચ્છતા બાબતે, બગીચાઓની જાળવણી, રાઈડઝ રીપેરીંગ કરાવવા અધિકારીઓને સૂચના અપાઇ છે.