પશુમાલિકો માટે નોંધણી, RFID ટેગ અને લાયસન્સ ફરજિયાત, ભંગ માટે કડક દંડની જોગવાઈ
મોરબી મહાનગરપાલિકાએ રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ “પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩”ની અમલવારી શરૂ કરી છે. આ અંતર્ગત શહેર હદમાં રખડતા ઢોર પર કડક નિયંત્રણ લાદવામાં આવ્યું છે. જેમાં નોંધણી, RFID ચીપ લગાડવી, લાયસન્સ લેવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. નિયમભંગ માટે ઢોર ડબ્બામાં પુરવાની તેમજ ભારે દંડની જોગવાઈ સાથે જાહેર નોટીસ જાહેર કરાઈ છે.
મોરબી શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા ફરી વાર ગંભીર બની રહી છે. માર્ગ અકસ્માત, ટ્રાફિકજામ, તેમજ નાગરિકો માટે ભયનું વાતાવરણ ઉભું કરતી ઢોર સમસ્યા સામે હવે મોરબી મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સૂચના અનુસાર કાયદેસર કડક પગલાં લેવા માટે પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ ની અમલવારી શરૂ કરી છે. શહેરી વિકાસ વિભાગના પરિપત્ર અનુસંધાને ૨૧ ઓગસ્ટ ૨૦૨૩ના દિવસે રાજ્યવ્યાપી “પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી – ૨૦૨૩” બહાર પાડવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાએ ૨૦ માર્ચ ૨૦૨૫થી આ પોલીસી શહેરમાં અમલમાં મૂકી છે. આ પોલીસી હેઠળ શહેરના તમામ પશુમાલિકો માટે તેમના ઢોરની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. સાથે જ દરેક ઢોરમાં RFID ચીપ તથા ટેગ લગાવવો જરૂરી બન્યો છે. શરૂઆતમાં નોંધણી માટે રૂ.૨૦૦નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, જે માલિકી જગ્યા ધરાવતાં પશુમાલિકો માટે ૨ માસ બાદ રૂ.૧૦૦૦ થશે. જેમણે પોતાના ઘરમાં નૈતિક રીતે ઢોર રાખવા માટે જગ્યા નથી કરી, તેઓએ તુરંત શહેરની હદ બહાર પોતાના ઢોર ખસેડવા પડશે, નહિ તો ઢોર પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવશે અને પાછા આપવામાં નહીં આવે, વ્યાવસાયિક ધોરણે ઢોર રાખનારા માટે લાયસન્સ ફરજિયાત રાખવામાં આવ્યું છે. દૂધના વેચાણ કે અન્ય વ્યવસાય માટે ઢોર ધરાવનારા ત્રણ વર્ષ માટે રૂ. ૫૦૦ અને વ્યક્તિગત ઉપયોગ માટે રાખનારા રૂ. ૨૫૦ ફી ભરવી પડશે. લાયસન્સ રીન્યુ માટે પણ ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
પશુની સદગત/વેચાણ/મોત જેવી વિગતો પણ મ્યુનિસિપલ ANC શાખાને આપવી ફરજિયાત છે. RFID ટેગ તૂટે કે કાઢી નાખવામાં આવે તો નવા ટેગ માટે રૂ. ૫૦૦નો ચાર્જ વસૂલાશે. વિશેષ નોંધનીય બાબત એ છે કે જો કોઇ ઢોર પકડી લેવામાં આવે તો પ્રથમ વખત દંડ સાથે છોડવામાં આવશે, બીજી વખત દોઢ ગણો, ત્રીજી વખત બે ગણો અને ત્યારપછી ત્રણ ગણો દંડ લાગુ પડશે, મ્યુનિસિપલ હદની બહારના ઢોર શહેરમાં પકડાય તો ત્રણ ગણો દંડ તથા ટેગ ચાર્જ રૂપે રૂ.૧૦૦૦ વસુલાશે. અંતમાં મનપા દ્વારા આપેલ નોટિસમાં જણાવ્યા અનુસાર ચેતવણી અપાઈ છે કે પોલીસીના ભંગ બદલ GPMC Act,૧૯૪૯ તેમજ ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કાનૂની પગલાં લેવામાં આવશે. શહેરના તમામ પશુમાલિકોને આ અંગે જાણકારી રાખવા તથા પોલીસીના કડક અમલમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.