મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી નાલાની સફાઈ, ગટર ઢાંકણાની દુરસ્તી, હોર્ડીંગ્સ હટાવવાની કામગીરી સહિત જર્જરિત બિલ્ડીંગોને સુધારાની નોટિસ પાઠવવાનો મહત્ત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ જનસુરક્ષા અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વેની કામગીરી ત્વરિત ગતિએ અમલમાં મૂકવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ૨૦ નાળાઓમાંથી ૧૧ નાળાની સફાઈનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ક આસિસ્ટન્ટ મારફત સર્વે કરાવાઈ ગયો હતો, જેમાં કુલ ૧૦૯ ગટરના ઢાંકણાની દુરસ્તી કરવામાં આવી છે. સાથે સાથે ૩૧ નાળાઓ પર બેરીકેટિંગ કરવામાં આવી જેનાથી નાગરિકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ૨૫ જર્જરિત બિલ્ડીંગોની ઓળખ કરી એમના માલિકોને રીપેરિંગ તથા ભયમુક્ત બનાવવાનો અનુરોધ સાથે નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા ૧૦૬ અનધિકૃત હોર્ડીંગ્સ પણ હટાવવામાં આવ્યા છે.