આગામી દિવસોમાં હિન્દુઓના બે મોટા તહેવારો આવી રહ્યા છે. આગામી તા.6 એપ્રિલના રોજ રામનવમી અને તા.10મીએ મહાવીર જયંતી હોય મોરબી મહાનગરપાલિકાના કમિશનરે દ્વારા જાહેરનામું બહાર પાડીને મહાનગરપાલિકા વિસ્તારોમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા આદેશ ફરમાવવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, આગામી તા. ૦૬/૦૪/૨૦૨૫ના રોજ “રામનવમી” નિમિતે તથા તા. ૧૦/૦૪/૨૦૨૫ના રોજ “મહાવીર જયંતી” નિમિતે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. અધિકારીઓ-આગેવાનોએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી તેવું જણાવવામાં આવ્યું છે.