મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ ના બીએલસી ઘટક હેઠળ ૧૨ થી ૧૪ નવેમ્બર સુધી ત્રણ સ્થળે કેમ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ. ૩ લાખથી ઓછી આવક ધરાવતા નાગરિકો ખુલ્લા પ્લોટ કે જૂના મકાનને તોડી નવા આવાસ બાંધવા માટે નોંધણી કરી શકશે. સરકાર તરફથી પ્રતિ આવાસ રૂ. ૪ લાખની સહાય ૪ હપ્તામાં આપવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ ના BLC(બેનીફિશીયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક માટે લાભાર્થીઓ સરળતાથી નોંધણી કરી શકે તે માટે વિશાળ સ્તરે કેમ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જણાવ્યા મુજબ આ કેમ્પમાં ખાસ કરીને રૂ. ૩ લાખથી ઓછી આવક ધરાવતા શહેરના નાગરિકોને નવા આવાસના બાંધકામ માટે ડીમાન્ડ સર્વેમાં નામ નોંધાવવા તક આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓ પોતાના ખુલ્લા પ્લોટ, અથવા કાચા, અર્ધકાચા, જર્જરિત મકાનને તોડી, સરકારના ધોરણો અનુસાર નવા બાંધકામ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ રૂ. ૪ લાખની સહાય આપે છે. આ અંતર્ગત નોંધણી પ્રક્રિયા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ત્રણ સ્થળોએ કેમ્પ યોજાશે જેમાં લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજો સાથે હાજરી આપી નોંધણી કરાવી શકશે તા.૧૨/૧૧ બુધવારે ક્લસ્ટર-૯ કચેરી (શનાળા ગ્રામ પંચાયત ઓફિસ) મોરબી, તા.૧૩/૧૧ ગુરૂવારે ક્લસ્ટર-૧૦ કચેરી (રવાપર ગ્રામ પંચાયત ઓફિસ) મોરબી તથા તા. ૧૪/૧૧ શુક્રવારે ક્લસ્ટર-૧૧ કચેરી (લીલાપર ગ્રામ પંચાયત ઓફિસ) મોરબી ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી કેમ્પ કાર્યરત રહેશે. શહેરના નાગરિકોને લાભ લેવા માટે મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે કે તેઓ સંબંધિત દસ્તાવેજો સાથે સમયસર હાજર રહે









