મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧ જાન્યુઆરી થી ૨૦ માર્ચ દરમિયાન બાકી વેરાની વસૂલાત માટે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં મોટા બાકીદારોની મિલકત જપ્તી અને ટાંચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ ૨૫૭ મિલકતધારકોને વોરંટ અપાયા, જેમાંથી ૯૯ લોકોએ સંપૂર્ણ ટેક્સ ભરપાઈ કર્યો હતો.
મોરબી મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા બાકી વેરા વસૂલી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ૧ લાખથી વધુ બાકીદારોમાં ૨૫૭ મિલકતધારકોને વોરંટ અપાયા હતા, જેમાં ૯૯ મિલકતધારકો દ્વારા સંપૂર્ણ વેરાની ચુકવણી કરાઈ હતી. જ્યારે ૮ પાણી કનેકશન અને ૩૪ મિલકતોને સીલ કરી, તેમજ ૭૫,૦૦૦ થી ૧ લાખ સુધીની રકમ બાકી રાખનારા ૧૧૪ મિલકતધારકોને વોરંટ અપાયા હતા, જેમાં ૬૯ લોકોએ ટેક્સ ભરી દીધો છે. આ ઉપરાંત ૫૦,૦૦૦ થી ૭૫,૦૦૦ બાકી રહેનારા ૨૭૩ મિલકતધારકોને પણ નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી ૯૪ મિલકતધારકો દ્વારા સંપૂર્ણ વેરાની ચુકવણી કરી હતી.
મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજયકુમાર સોનીની યાદીમાં જણાવ્યા મુજબ જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે તેઓ તાત્કાલિક વેરાની ચુકવણી કરે, જેથી ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી ટાળી શકાય. ટેક્સ શાખા દ્વારા આગામી સમયમાં ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ બાકીદારો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.