મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ઘર મુલાકાત, પાણી ભરેલા પાત્રોની તપાસ, પોરાનાશક દવાઓનો ઉપયોગ તેમજ ખુલ્લી ગટર અને વોકળામાં દવા છંટકાવ તથા ડસ્ટીંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગો અટકાવવા અને નિયંત્રણમાં લેવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘર મુલાકાત લઈ પાણી ભરાયેલા પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં પાણી ભરાવાના કારણે મચ્છરના પોરા ઉત્પન્ન થવાની શક્યતા જણાઈ ત્યાં પોરાનાશક દવાઓ નાખી નિવારક પગલાં લેવાયા હતા. સાથે સાથે ખુલ્લી ગટર અને વોકળામાં મચ્છરનું ઉત્પાદન અટકાવવા દવા છંટકાવ અને ડસ્ટીંગની કામગીરી પણ કરાઈ હતી. મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને રોગમુક્ત રાખવાના ઉદ્દેશ્યથી આ પ્રવૃત્તિઓ નિયમિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને મચ્છરજન્ય રોગો સામે સજાગ રહેવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ ન વધે તે માટે સમયસર નિયંત્રણ અત્યંત જરૂરી હોવાનું મનપા દ્વારા જણાવાયું છે. આ સાથે મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખે, સાંજના સમયે બારી-બારણા બંધ રાખે, મચ્છરદાનીમાં સુવે, આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરે તેમજ ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી દૂર કરે. તાવ જેવા લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.









