એક સપ્તાહમાં ૬૩ આસામીઓ પાસેથી કુલ રૂ.૨૭,૨૫૦/- દંડ વસુલાયો.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ૨૫ માર્ચથી ૧ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન શહેરમાં સફાઈની કડક કામગીરી હાથ ધરી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ૧૮ આસામીઓ પાસેથી રૂ.૧૪,૪૫૦/- અને ગંદકી ફેલાવનાર ૪૧ આસામીઓ પાસેથી રૂ.૧૧,૮૦૦/- દંડ વસુલવામાં આવ્યો હતો. ઉપરાંત, જાહેરમાં પેશાબ કરનાર ૩ વ્યક્તિઓ અને કચરો સળગાવનાર ૧ વ્યક્તિ પાસેથી પણ દંડ વસુલવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને નિયમિત રાખવા માટે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૨૫ માર્ચથી ૧ એપ્રિલ ૨૦૨૫ સુધી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક નિયંત્રણ લાવવા માટે ૧૮ વેપારીઓ અને વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને રૂ.૧૪,૪૫૦/- નો દંડ વસુલાયો હતો. જ્યારે જાહેરમાં ગંદકી ફેલાવનારા ૪૧ આસામીઓ પાસેથી રૂ.૧૧,૮૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ સિવાય સ્વચ્છતા જળવાય તે માટે, જાહેરમાં પેશાબ કરતા ૩ આસામીને રૂ.૩૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, જાહેરમાં કચરો સળગાવતા ૧ વ્યક્તિ પાસેથી રૂ.૨૦૦/- દંડ વસુલાયો હતો. ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેક્ટ) દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, આગામી સમયમાં પણ આવા તપાસ અભિયાન ચાલુ રહેશે. મોરબી શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, જાહેરમાં ગંદકી ન ફેલાવે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે.