મોરબી મહાનગરપાલિકાની ફૂડ સેફટી શાખા દ્વારા શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ-ફરસાણ તથા ડેરી સંચાલકો ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું. સ્વચ્છતાના ધોરણો ન જાળવનાર ૧૫ સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી તેમજ અખાધ પદાર્થો અને ૫૦૦ કિ.ગ્રા. અખાધ કલરનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ સેફટી શાખા દ્વારા શહેરમાં જન આરોગ્યની સુરક્ષા માટે વ્યાપક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ-ફરસાણના વિક્રેતાઓ તેમજ ડેરી સંચાલકો સહિત કુલ ૩૪ ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન વેપારીઓને ફૂડ લાઇસન્સ અને સ્વચ્છતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સ્વચ્છતાના ધોરણો યોગ્ય રીતે ન જાળવનાર ૧૫ મીઠાઇ-ફરસાણ, ડેરી, હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત મોમાઈ ડેરી, ખોડિયાર ડેરી તેમજ મોમાઈ ડેરી એન્ડ બેકરી ખાતે દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં કોઈ શંકાસ્પદ બાબત જોવા મળી ન હતી.
ચેકિંગ દરમિયાન મીઠાઇ-ફરસાણના કેટલાક સ્થળોએ મળેલા અખાધ પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે અંદાજે ૫૦૦ કિલોગ્રામ અખાધ કલર મળી આવતા ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા તેનો પણ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના તમામ ખાણીપીણીના ધંધાર્થીઓને તાકીદ કરી છે કે જેમણે હજી સુધી ફૂડ લાઇસન્સ મેળવ્યું ન હોય તેઓ તાત્કાલિક ઓનલાઈન પ્રક્રિયા દ્વારા લાઇસન્સ મેળવી લે અને સ્વચ્છતાનું ધોરણ કડક રીતે જાળવી રાખે. લાઇસન્સ કે સ્વચ્છતા ન હોવાનું જણાશે તો કાયદા મુજબ નોટિસ તથા કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના ફૂડ શાખા દ્વારા આપવામાં આવી છે.









