ખુલ્લી ભૂગર્ભ કુંડીઓમાં પડતી ગાયો, ટ્રાફિક જામ, રાહદારીઓ માટે વધતી મુશ્કેલીનો અંત ક્યારે ?
મોરબી મહાનગર પાલિકાના ઉદાસીન વહીવટને કારણે લખધીરવાસ ચોક ગેટ નજીક કચરાનો ગંજ ખડકાયો છે, અબોલ ગાયો કચરો ખાવા માટે ભેગી થાય છે. આ ગાયો ટ્રાફિકમાં અવરોધ ઉભો કરી રહી છે અને ખુલ્લી ભૂગર્ભ કુંડીઓમાં પડી જવાની ઘટનાઓ પણ બની રહી છે. હિન્દૂ સંગઠનોની રજૂઆતો છતાં પાલિકા કમિશ્નર કોઈ પગલાં ભરતા નથી.
મોરબી શહેરમાં સફાઈ અને સંભાળની ભારે અવગણના થઈ રહી છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ લખધીરવાસ ચોક ગેટ પાસે જોવા મળે છે. અહીં મેઈન રોડ પર કચરાના ગંજ વચ્ચે ગાયો ભેગી થઈ રહી છે. કચરો ખાવા માટે ભટકતા આ અબોલ પશુઓને કારણે વાહન વ્યવહારમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓ ખુલ્લી અવસ્થામાં છે. અગાઉ પણ ગાય આ ખાડામાં પડી જતાં જેસીબી દ્વારા તેને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે મોરબીના સર્વ હિન્દૂ સંગઠનોએ મનપા કમિશ્નરને લેખિત રજુઆત કરી હતી અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી. તેમ છતાં, આજદિન સુધી મહાનગર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હવે સવાલ એ ઉઠે છે કે મહાનગર પાલિકા આ ગંભીર સમસ્યા બાબતે કોઈ નક્કર પગલાં લે છે કે નહીં? શું કોઈ મોટી દુર્ઘટના થાય પછી જ તંત્ર જાગશે? હાલ આ વિકટ સમસ્યાને લઈને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, સ્થાનિકો આ બાબતે ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવા મજબૂર થશે.