મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં રજીસ્ટ્રેશન ડ્રાઈવ તથા સામાન્ય ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગાંધીચોક, શનાળા રોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખાણીપીણીના ધંધાઓની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ફૂડની ગુણવત્તા, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટી નિયમોના પાલન અંગે ચકાસણી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ૩૭ દુકાનધારકોની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક ખાણીપીણીના ધંધાર્થીઓ પાસે ફૂડ લાઇસન્સ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેવા વેપારીઓને વહેલી તકે ફૂડ લાઇસન્સ કઢાવી લેવા અંગે સૂચના આપવામાં આવી હતી. આ સાથે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે આવી ચકાસણી અને માર્ગદર્શન કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.










