ગુજરાત ફાયર પ્રીવેંશન અને લાઈફ મેસર્સ એક્ટ હેઠળ અને હાઈકોર્ટના ગુજરાત આદેશ અંતર્ગત મોરબી નગરપાલિકાની ફાયરની ટીમો દ્વારા શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સંદર્ભે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ PIL અન્વયે ગત તા. ૧૫/૧૨/૨૦૨૦ તેમજ તા.૨૬/૨/૨૧ ના ઓરલ ઓર્ડરમાં જણાવ્યા મુજબ, બિલ્ડીંગમાં ફાયર સીસ્ટમ કાર્યરત રાખી તેમનું કાયર સર્ટીફિકેટ મેળવવાનું હોય છે. જે અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા વિવિધ રેસીડેન્સીયલ બિલ્ડીંગોમાં તપાસ હાથ ધરી હતી અને ૧૫૬ રેસીડેન્સીયલ બિલ્ડીંગોને નોટીસ પાઠવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડિંગને ત્રીજી વખત નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં પ્રથમ નોટીસ ઓક્ટોબર ૨૦૨૧ અને બીજી નોટીસ ડીસેમ્બર ૨૦૨૧ માં આપવામાં આવી હતી. જે નોટીસ પછી જો બિલ્ડરો દ્વારા કાર્યવાહી કરવામાં નહિ આવે તો નગરપાલિકા તરફથી પાણીના અને ગટરના કનેક્શન કટ કરવા, અને બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી. જયારે બીજા તબ્બકામાં મોરબી નગરપાલિકા હદમાં આવેલ હોટલ, વાડી/પાર્ટીપ્લોટ, મલ્ટીપ્લેક્ષ, સુપરમાર્કેટ, પેટ્રોલપંપ તેમજ કોમર્સિયલ બિલ્ડીંગને નોટીસ આપવામાં આવશે.