મોરબી મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ હેઠળ બીએસઇ ઘટક માટે ત્રણ દિવસીય કેમ્પ-મેળાનું આયોજન કર્યું છે, જેમાં ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને નવા આવાસ બાંધકામ માટેની સહાય મેળવવા નોંધણી કરવાની તક મળશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ ના બીએલસી (બેનીફિશીયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત વિશાળ કેમ્પ-મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ખાસ કરીને તેવા લાભાર્થીઓ માટે છે જેમની આવક રૂ. ૩ લાખથી ઓછી છે અને જે ખુલ્લા પ્લોટ પર કે કાચું, અર્ધકાચું અથવા જર્જરિત મકાન તોડી સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો અનુસાર નવા મકાનનું બાંધકામ કરવા માંગે છે. લાભાર્થીઓ આ કેમ્પમાં પીએમવાય(U) ૨.૦ માટેની ડીમાન્ડ સર્વે નોંધણી સરળતાથી કરી શકશે. આ યોજનામાં નવા મકાનના બાંધકામ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ રૂ.૪ લાખની સહાય ૪ હપ્તામાં આપશે. ત્યારે મોરબી મહાનગરપાલિકાએ શહેરના તમામ પાત્ર લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે. કેમ્પની જગ્યાઓ અને સમય મુજબ ૧)ક્લસ્ટર-૧ કચેરી(જૂની નાની વાવડી ગ્રામ પંચાયત ઓફિસ) તા.૨૦/૧૧ ને ગુરુવારે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ૨)ક્લસ્ટર-૨ કચેરી (જૂની અમરેલી ગ્રામ પંચાયત ઓફિસ) તા. ૨૧/૧૧ શુક્રવારે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી તથા ૩)ક્લસ્ટર-3 કચેરી(જૂની મહેન્દ્રનગર ગ્રામ પંચાયત ઓફિસ) તા. ૨૨/૧૧ ને શનિવારે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી રહેશે. આ યોજનાનો હેતુ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મકાન માલિકીનું સ્વપ્ન સાકાર કરવા માટે જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરૂં કરવાનું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે પાત્ર નાગરિકોએ આ કેમ્પ-મેળામાં જરૂર હાજરી આપી યોજના હેઠળ મળતી સહાયનો લાભ લેવો.









