બંને આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાંતિનગર ગામે યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ આ ધરતા આ યુવાનની હત્યામાં કુલ ચાર વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી. પોલીસે મહિલાના પ્રેમી જુમા સાંજણ માજોઠી અને તેના સાગરીત શાહરૂખ મહેબુબભાઈની સ્કોર્પિયો કાર સાથે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બન્ને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસે હજુ આ ગુનામાં ફરાર મહિલા સહિત બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષભાઇ અંગેચણીયા ગત 27 ફ્રેબ્રુઆરીએ ગુમ થયા બાદ તેની કાંતિનગર ગામે જમીનમાં દાટી દીધેલી લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં આ યુવાનની હત્યા થયાનું બહાર આવતા પોલીસે મૃતકના પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયા અને તેના પ્રેમી જુમા સાંજણ માજોઠી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે યુવાનની હત્યામાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પણ પોલીસને વધુ આરોપીઓની સંડોવણીની શંકા જતા જુમા સાંજણ માજોઠીને ઉઠાવીને સઘન પૂછપરછ કરતા આ બનાવમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી બહાર આવી છે. આરોપી જુમાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, શૈલેષની પત્ની યાસ્મીન ઉર્ફે આરતીને કાંતિનગર ગામે રહેતા જુમાં મજોઠી સાથે પ્રેમસબંધ બંધાતા પતિનું ઘર છોડીને તેણી છેલ્લા એક વર્ષેથી જુમાના ઘર પાસે રૂમ રાખીને રહેતી હતી. આથી, આ બાબતે શૈલેષ અને આરતી વચ્ચે ઝઘડાઓ થતા તેનો કાટો કાઢી નાખવા આરતી અને જૂમાએ સાથે મળીને શૈલેષની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
યાસ્મીન ઉર્ફે આરતીએ કાવતરું ઘડીને “તારે મને મારવી હોય અને તારામાં હિંમત હોય તો કાંતિનગર ગામે આવ “તેમ કહીને પતિ શૈલેષને ઉશ્કેર્યો હતો. આથી, શૈલેષ કાંતિનગર ગામે ગયો હતો.ત્યારે અગાઉ ઘડેલા પ્લાન મુજબ આરોપી જુમાએ પોતાના સાગરીત શાહરુખ મહેબૂબભાઈએ મળીને શૈલેષને રસ્તામાં રોકી પાઇપ વડે હુમલો કર્યા બાદ પોતાની ઓરડીએ લઈ ગયા હતા. જ્યાં જુમો તથા તેનો બનેવી શોએબ ઇબ્રાહિમભાઈ અને શાહરૂખ મળીને ત્રણેયે બાંધીને ઢોર માર માર્યો હતો. મારને કારણે રાડો પાડતો હોવાથી શૈલેષના મોઢે ડૂચો મારી દીધો હતો. આ ત્રણેય આરોપીઓ માર મારીને યુવાનને ડેલામાં જ બાંધેલી હાલતમાં રાખીને નીકળી ગયા હતા. બાદમાં બીજે દિવસે આવીને જોતા શૈલેષનું મોત નીપજ્યું હતું. આથી, પહેલા આરોપીઓએ કારમાં લાશનો નિકાલ કરવાનું વિચાર્યું હતું. પણ ત્યારે ચૂંટણી હોવાથી પોલીસ બંદોબસ્તને કારણે પકડાઈ જશે એવી બીકે ત્રણેય આરોપીઓ લાશને કાંતિનગર ગામે જ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. હાલ પોલીસે જુમા સાજણ માજોઠી અને સાગરીત શાહરુખ મહેબૂબભાઈની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બન્ને આરોપીના તા.8ને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ પોલીસે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.