મોરબી: રાજ્ય સરકારના અગત્યના નિર્ણય હેઠળ મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે, જે સિરામિક ઉદ્યોગ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળ મોરબી તેમજ સુરેન્દ્રનગર-થાનગઢ વિસ્તારના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ.૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ ભાવ ઘટાડો તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના તમામ સંબંધિત સિરામીક એકમોને સત્તાવાર રીતે જાણ પણ કરવામાં આવી છે.
નેચરલ ગેસના ભાવમાં થયેલો આ ઘટાડો મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સંજીવની સમાન માનવામાં આવી રહ્યો છે. ગેસના ખર્ચમાં ઘટાડો થતાં ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે, જેના કારણે ઉદ્યોગોની સ્પર્ધાત્મક શક્તિ વધશે. આ નિર્ણયથી હજારો ઉદ્યોગકારો તેમજ તેમાં કાર્યરત કામદારોને નવી ઊર્જા અને આત્મવિશ્વાસ મળશે. મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીને વધુ મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે લેવાયેલો આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર તથા ઊર્જા વિભાગનો રાજ્યમંત્રી કાતિલાલ અમૃતિયા તથા સીરામીક ઉદ્યોગકારોએ આભાર અને અભિનંદન વ્યક્ત કર્યા છે. આ નિર્ણયને સિરામિક ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.









