મોરબી તાલુકાના ભરતનગર નજીક રાત્રે ડમ્પર ચાલક વાહનની લાઈટથી અંજાઈ નિયંત્રણ ગુમાવી અન્ય ટ્રકના ઠાઠામાં અથડાયો હતો. અકસ્માતમાં સાઇડમાં બેઠેલા ક્લીનરને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ભરતનગર નજીક આવેલી ક્રિષ્ના હોટલ સામે રાત્રે એક વાગ્યાના સમયગાળામાં અકસ્માતની એક ઘટના સર્જાઈ હતી. જેમાં ગત તા.૦૫/૧૨ના રોજ ડમ્પર નં. જીજે-૧૩-એડબ્લ્યુ-૭૧૩૦ ચલાવતાં આરોપી પાવનભાઇ ગેંડાલાલ મકવાણા ઉવ.૨૩ રહે. ગામ ડેડલા પોસ્ટ જોલાના તા. સરદારપુર જી.ધાર રાજ્ય મધ્યપ્રદેશવાળા પોતાનું વાહન પુરપાટ ગતિથી ચલાવી જતા હોય ત્યારે સામેથી આવતી તેજ લાઈટથી અંજાઈ જતા ડમ્પર ઉપર નિયંત્રણ ગુમાવી બેઠો હતો. ત્યારે ડમ્પર ક્રિષ્ના હોટેલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રક-ટ્રેલર નં. પીબી-૦૬-એકે-૪૧૯૭ના ઠાઠામાં જોરદાર અથડાયું હતું. અકસ્માત વખતે ડમ્પરમાં ક્લીનર સાઈડ બેઠેલ શત્રુભાઈ પારસીંગભાઈ વસુનીયા રહે. હાલ રહે. વિન્ટેજ સીરામીકમાં મૂળ રહે.મહેદીખેડા પોસ્ટ જી.જાંબુઆ મધ્યપ્રદેશ વાળાને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ડમ્પર ચાલક આરોપી પાવનભાઈ મકવાણાને પણ ઇજાઓ થતા બંનેને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા, જ્યાં તા.૧૦/૧૨ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન શત્રુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના ભાઈની ફરિયાદને આધારે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









