લેબર રૂમની બહાર રમતા બાળક ઉપર ટ્રકનું ટાયર ફરી વળ્યું
મોરબીના અમરેલી ગામની સીમમાં આવેલ દેવદૂત કોટન નામના કારખાનામાં સિમેન્ટ ભરેલી ટ્રક ખાલી કરવા આવી હોય ત્યારે કારખાનાની લેબર રૂમ બહાર રમતા બાળકને હડફેટે લેતા ટ્રકનું તોતિંગ વ્હીલ માસુમ બાળકના માથા ઉપર ફરી વળતા દોઢ વર્ષના બાળકનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતની ગંભીર ઘટના બાદ ટ્રક ટેઇલર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો.
મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં નેક્ષસ સિનેમાની બાજુમાં દેવદૂત કોટન કારખાનાની લેબર રૂમમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના મજૂર પરિવારના દોઢ વર્ષના બાળક ઉપર ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતા પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો, અકસ્માતના આ બનાવમાં મૂળ જાંબુઆ એમપીના વતની હાલ દેવદૂત કોટન કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિનોદભાઈ માનસિંગભાઈ ડાંગી ઉવ.૩૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ટેઇલર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૪૯૧૦ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા. ૧૪/૧૨ના રોજ દેવદૂત કોટન કારખાનામાં સિમેન્ટ ભરેલ ટ્રક ટેઇલર ખાલી કરવા આવી હતી ત્યારે અડધી ટ્રક મજૂરો દ્વારા ખાલી થઈ ત્યારે મજૂરો થોડો આરામ કરવા બેઠા હોય તે દરમિયાન ટ્રક ટેઇલરના ચાલકે અચાનક પોતાનો ટ્રક આગળ પાછળ જોયા વગર ચલાવી દઈ લેબર કોલોનીની રૂમ બહાર રમતા દોઢ વર્ષીય માસુમ બાળકને હડફેટે લેતા બાળક ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું, જેથી માસુમ બાળકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતના બનાવ બાદ મૃતક બાળકને એમ્બ્યુલન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે જોઈ તપાસી પોલીસને જાણ કરી હતી, અકસ્માત સર્જી ટ્રક ટેઇલર ચાલક વાહન મૂકીને ભાગી ગયો હતો, હાલ તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.