મોરબીની મેમણ શેરી વિસ્તારમાં રહેણાંકમાં ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી સામે સીટી “એ” ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. જ્યાં રેઇડ કરી રહેણાંક મકાનમાંથી ૨ કિલો ૨૩૦ ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી સપ્લાયરને પકડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી શહેરના કુબેરનાથ રોડ, મેમણ શેરી વિસ્તારમાં રહેણાંકમાં માદક પદાર્થના ગેરકાયદેસર વેપાર સામે મોરબી સીટી “એ” ડિવિઝન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે આરીફ યાકુબભાઇ કચ્છી ઉવ. ૩૫ રહે. કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો પોતાના રહેણાંક મકાનમાં ખાનગી રીતે ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. આ હકીકતના આધારે પોલીસે તેના રહેણાંક મકાને રેઇડ કરતા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૨ કિલો ૨૩૦ ગ્રામ કિં.રૂ.૬,૬૯૦/- મળ્યો હતો. રેઇડ દરમ્યાન પોલીસે આરોપી પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિં.રૂ.૫,૦૦૦/-, ઇલેક્ટ્રિક વજનકાંટો, કાપડની થેલી, નાની કાતર તથા મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની કોથળીઓ સહિત કુલ રૂ.૧૧,૭૯૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી દ્વારા જણાવ્યું કે, આ માદક પદાર્થ ગાંજો આરોપી અબ્બાસ મોવર રહે. સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હતો. જેથી સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.









