મોરબી તાલુકાના આમરણ ગામ પાસે એક ચણાથી ભરેલી ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રકના પાછળના ભાગે બેઠેલા મજૂરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ટ્રકનો ચાલક અકસ્માત બાદ ટ્રક મુકીને નાસી ગયો હતો
મોરબી તાલુકાના બેલા ગામના વાલીમામદભાઈ ઉમરભાઈ જામ ઉવ. ૪૫એ મોરબી તાલુકા પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ, તેમના ભાઈ કાદરભાઈ ઉમરભાઈ તેમજ સાહેદ સમીરભાઈ અને અમીતભાઈ તા. ૦૫/૦૫ના રોજ સવારે ચણાથી ભરેલી ટ્રક નં. જીજે-૧૪-ઝેડ-૫૭૭૭ માં સફર કરી રહ્યાં હતા. ટ્રકના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ઝડપભેર ચલાવી આમરણ ગામની ગોલાઈ પાસે આવી, ત્યારે ડ્રાઈવરની ગફલતને કારણે ટ્રક પલ્ટી ગઈ હતી, ટ્રકના પાછળના ભાગે બેઠેલા કાદરભાઈ ચણાની ગુણીઓ નીચે દબાઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે સાથે કેબિનમાં બેઠેલા સાહેદ સમીરભાઈને હાથ અને પગમાં ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળે ઉપરથી ફરાર થઈ ગયો હતો.