ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને મોરબીમાં ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રા યોજાઈ હતી. વહીવટી તંત્રના નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં મોરબીની વિવિધ શાળાઓના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી.
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજ રોજ મોરબીમાં ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રા યોજાઈ હતી. ૧૫મી ઓગસ્ટ પૂર્વે મોરબીમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો છે. ૧૦૦૦ ફૂટના તિરંગા સાથે નીકળેલ તિરંગા યાત્રાને લઇ સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.
બેન્ડ વાજા સાથે નીકળેલી યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ યાત્રામાં મોરબીની વિવિધ શાળાઓના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી. તિરંગા યાત્રામાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર,મોરબી જિલ્લા,પોલીસ તેમજ મોરબી જિલ્લા ભાજપના આગેવાનો અને મોરબી હોમગાર્ડના જવાનો તેમજ મોરબી ફાયરની ટીમ સહિતના જોડાયા હતા. મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, સાંસદ વિનોદ ચાવડા, કેસરીદેવ સિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતનાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.