મોરબી: જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચાને બદલે મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપે સેવા અને માનવતાનો માર્ગ અપનાવ્યો છે. ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે રેન બસેરામાં વસતા નબળા વર્ગના લોકો માટે ૧૩૦ જેટલી રાશન કીટનું વિતરણ કરીને ખુશી વહેંચવામાં આવી હતી.
મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપે જન્મદિવસની ઉજવણીને એક નવો અર્થ આપ્યો છે. જ્યાં સામાન્ય રીતે જન્મદિવસ ઉપર મસમોટા કાર્યક્રમો, પાર્ટીઓ અને સાથે ઉજવણી જોવા મળે છે, ત્યાં આ ગ્રુપે ખોટા ખર્ચાને બદલે સેવા કાર્યનો માર્ગ અપનાવ્યો છે. જેમાં ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસના પ્રસંગે ગ્રુપના સભ્યોએ માનવતાભર્યું પગલું ભરી મોરબીના રેન બસેરામાં વસતા નબળા વર્ગના લોકો માટે ૧૩૦ જેટલી રાશન કીટનું વિતરણ કર્યું હતું. આ કીટોમાં દૈનિક ઉપયોગની આવશ્યક ચીજો સામેલ હતી, જેથી લાભાર્થીઓને થોડી રાહત મળી રહે અને પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકે. રાશન કીટ પ્રાપ્ત કરનાર લોકોના ચહેરા પર આનંદ અને કૃતજ્ઞતાની ઝલક જોવા મળી હતી. આ સેવાકીય કાર્ય દ્વારા પાટીદાર વુમન્સ ગ્રુપે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ કાર્યક્રમમાં સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, નીરૂબેન, ચંદાબેન કાબરા, અને આશાબેન સહિત પાટીદાર વુમન્સ ગ્રુપના સભ્યો સક્રિય રીતે જોડાયા હતા. તેમજ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા સંચાલિત મહારાણી શ્રી નંદકુવરબા આશ્રય ગૃહના પ્રતિનિધિ અસ્મિતા ગોસ્વામી, પરેશભાઈ ત્રિવેદી તથા આશ્રય ગૃહની સંચાલક ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા