રાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બાળીને નેસ્ત નાબૂદ કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઇડ કરી બે ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા છે. જયારે એક આરોપી ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબીના વાઘપરા શેરીનં.૧૨ ખાતે આવેલ સાહીલભાઇ સીદીકભાઇ ચાનીયાના રહેણાંક મકાનમાં રેઈડ કરી હતી અને સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડૉલ્સ નં.૧ની કાચની કંપની શીલબંધ ૫ બોટલોનો રૂ.૧૮૭૫/-નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જો કે, આરોપી સાહીલભાઇ સીદીકભાઇ ચાનીયા સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઘુટુ ગામ રામકો સોસાયટી પાસે આવેલ મેરૂભાઇ જેરામભાઇ ચાવડા નામના શખ્સના રહેણાંક મકાને વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બે બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કી/વોડકાની કંપની સીલ પેક કુલ ૧૨ બોટલોનો રૂ.૪૨૭૫/-નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી મેરૂભાઇ જેરામભાઇ ચાવડા સ્થળ પર જ મળી આવતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે જી.આઈ.ડી.સી ખાતે આવેલ ગીતાબેન વિનુભાઈ ઉર્ફે પ્રધાનજીભાઈ સોલંકીના રહેણાંક મકાન સામે આવેલ વાડામાં રેઇડ કરી વેચાણ કરવાના ઈરાદે રાખેલ ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની મેક ડોવેલ્સ નં.૧ કલેક્શન વીસ્કીની ૦૬ બોટલોનો રૂ.૨૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે મહિલા આરોપી ગીતાબેન વિનુભાઈ ઉર્ફે પ્રધાનજીભાઈ સોલંકીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.