મોરબી શહેરમાં વણસી ગયેલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે શહેરના શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં લુહાર સમાજની વાડીની સામે આવેલ ઓફિસમાં રેઇડ કરી ઓફીસ માલીક સહિત ત્રણ શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લેવાયા હતા. તેમજ પોલીસ દ્વારા ઓફિસમાંથી વિદેશી દારૂની અડધી બોટલ પણ ઝડપી લેવામાં આવી છે.
મોરબીમાં ખાનગી ઓફિસોમાં, કારમાં તેમજ સ્પામાં ચાલતી દારૂ પાર્ટીઓ ઉપર રોક લગાવવામાં તદ્દન નિષ્ફળ નિવડેલી મોરબી પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ સરદાર બાગ સામે સત્યમ પાન વાળી શેરીમાં લુહાર સમાજ વાડીની સામે આવેલ આરોપી મિલન કણજારીયાની ઓફિસમાં રેઇડ કરી હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ઓફીસ માલીક મિલનભાઈ ભરતભાઇ ગણેશભાઈ કણજારીયા ઉવ.૨૫ રહે.ભક્તિનગર-૩ ની બાજુમાં સત્યમ પાન વાળી શેરીમાં મોરબી તથા ઉન્નતસિંહ હરિસિંહ ચાવડા ઉવ.૪૦ રહે. વિશ્વકર્મા પાર્ક સત્યમ પાન વાળી શેરી તેમજ જાતિનસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ઉવ.૩૪ રહે.ભક્તિનગર-૧/૨ વચ્ચે સત્યમ પાન વાળી શેરી મોરબી વાળાને પીધેલી હાલતમાં પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂ વીંટેજ બ્લુ પ્રીમિયમ વ્હિસ્કીની બોટલમાં ૨૦૦મીલી. જેટલું કેફીપ્રવાહી કિ.રૂ.૨૦૦/-મળી આવ્યું હતું. જેથી આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ અલગ કેસ દાખલ કર્યો છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓની અટક કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









