સમગ્ર ગુજરાત સહીત મોરબી જિલ્લામાં શેરીએ-ગલીએ દારૂ વેચાય છે. તે અંગે તો સૌ કોઈ વાકેફ જ છે. અને આને લઈ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ અને મોરબી તાલુકા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી કે, મોરબીના ગ્રીનચોક પાસે નાની બજારમાં રમજાન આમદભાઇ ચાનીયા નામનો શખ્સ અકરમ નામના શખ્સ પાસેથી વેચવાના ઇરાદે દારૂ લાવ્યો છે. જે હકીકતના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે રેડ કરી રમજાન આમદભાઇ ચાનીયાના ઘરમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની રૂ.૧૦,૯૨૦/-ના કિંમતની ૨૧ બોટલો સાથે રમજાનને ઝડપી પાડ્યો છે અને અકરમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી બાજુ, મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, નવા નાગડાવાસમાં ખોડીયાર મંદિર પાસે દિનેશ બટુકભાઇ સોલંકી નામનો આરોપી દારૂનું વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે મધુપુર (નવા નાગડાવાસ) ખોડીયાર મંદિર પાસે રહેણાંક મકાનમાં રેડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કીની રૂ.૧૮,૦૦૦/-ની ૪૮ બોટલો મળી આવી હતી. પરંતુ આરોપી સ્થળ પર મળી ન આવતા મોરબી તાલુકા પોલીસે દિનેશ સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને તે આ માલ કોની પાસેથી લઇ આવ્યો અને ક્યાંથી લઈ આવ્યો તે અંગે તપાસ શરુ કરી છે.