નવા વર્ષ પર વોટ્સએપ, સોશિયલ મીડિયા અને ઈમેલ પર મોકલવામાં આવતા નકલી ગ્રીટિંગ્સ ઘણી વખત એવા ખતરનાક લિંક કે એપીકે ફાઈલ સાથે આવે છે જેને સ્કેમર્સ તમારા સ્માર્ટફોન અને બેન્ક ખાતા પર પુરી રીતે કંટ્રોલ કરી શકે છે. જેને લઈ એસ.પી. મુકેશકુમાર પટેલે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે.
31stની ઉજવણીના ભાગ રૂપે મોરબી પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવા વર્ષની શુભકામના પાઠવતા .apk વાળા ફ્રોડ મેસેજથી સાવધાન રહેવા એસપી મુકેશ કુમાર પટેલની લોકોને અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ ડ્રાઇવમાં એસ.પી., ત્રણ ડી.વાય.એસ.પી., ૧૮ પી.આઇ. અને ૪૫૦ થી વધુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. છ અલગ ટિમોથી પેટ્રોલિંગ હાથ ધરાશે. એલ.સી.બી. એસ.ઓ.જી., પેરોલ ફર્લો સહીતની ટીમો સતત પેટ્રોલિંગ કરશે. બ્રેથ એનેલાઇઝર અને ડ્રગ્સ ડિટેકશન કીટની પણ મદદ લેવાશે. શહેરના મુખ્ય સ્થળો પર ડ્રોનથી તેમજ સી.સી.ટી.વી. કેમેરાથી નજર રખાશે. ફાર્મ હાઉસ,હોટેલ ધાબા,ગેસ્ટ હાઉસમાં પણ ચેકીંગ કરાશે ત્યારે આવારા તત્વોને જિલ્લા પોલીસ વડાએ ખાસ ચેતવણી આપી છે કે જાહેરમાં ફટાકડા ફોડવા,સ્ટંટ કરવા નશા કારક પદાર્થ કે દ્રવ્યોનું સેવન કર્યું અને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય કર્યું તો પોલીસ છોડશે નહીં અને ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.ગુનો નોંધાવાથી ભવિષ્ય ખતરામાં મુકાઈ જશે જેથી આવા કૃત્યોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.









