મોરબી જિલ્લામાં ડીજીપીની સૂચનાથી પોલીસ દ્વારા she ટિમની રચના કરવામાં આવી છે ત્યારે આ she ટિમ કઈ રીતે કામ કરશે તે અંગે માહિતી આપવા અને રાજ્યભરમાં મહિલાઓ પર વધતા જતા અત્યાચાર અને ગુન્હાઓ સામે છોકરીઓએ કઈ રીતે રક્ષણ મેળવવું અને શું જાગૃતતા દાખવવી તે માટે મોરબી પોલીસ દ્વારા ખાસ સેમિનારનું આયોજન કારવામાં આવ્યું હતું.
મોરબી ખાતે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઇ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની દોરવણી હેઠળ she ટીમની રચના કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા મોરબી ખાતે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં મહિલાઓને સ્વરક્ષણના પાઠ ભણાવવામાં આવ્યા હતા.આ તકે પોલીસની she ટિમ કઈ રીતે કામ કરશે? તે અંગે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દીકરીઓ સ્કૂલ, કોલેજ જવા નીકળે ત્યારથી માંડી ઘરે પરત આવે ત્યાં સુધી પૂરતી તકેદારી રાખવી જોઈએ જેમાં કોઈ પાછળ આવતું હોય, અવાર નવાર ખોટા મેસેજ કરતા હોય તેમજ કોઈ પણ રિતે પરેશાનો ભોગ બનતી હોય છે ત્યારે દીકરીઓ મનમાં મૂંઝાયા વગર પોતાના પરિવારજનો અથવા શાળા કોલેજના સ્ટાફ થકી પોલીસ સુધી પહોંચવું જોઈએ.કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસ પ્રજાનો મિત્ર છે જે કોઈ પણ વેળાએ મહિલાઓની મદદ માટે તૈયાર હોય છે આથી પોતાને સેફ ન અનુભવતી છોકરીઓએ પોલીસને વાત શેર કરવી જોઈએ.
વધુમાં પોલીસની સાયબર ટિમ દ્વારા દીકરીઓને ટેક્નોલીજીના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું હતું જેમાં સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરતી વેળાએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તે અંગે શીખવવામાં આવ્યું હતું.આ અવસરે મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, એએસપી, પી.આઈ. જે.એમ.આલ, સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.