Tuesday, March 24, 2026
HomeGujaratમોરબી પોલીસની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી : લોક દરબારમાં ફરિયાદોનો ઢગલો

મોરબી પોલીસની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી : લોક દરબારમાં ફરિયાદોનો ઢગલો

મોરબી જિલ્લામાં વ્યાજખોરોના વધતા ત્રાસ સામે જિલ્લા પોલીસ સક્રિય બની છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક જાગૃતિ અભિયાન અંતર્ગત જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી શહેર સાથે હળવદ અને વાંકાનેર વિસ્તારના અરજદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં ડીવાયએસપી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ નિર્ભયપણે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી, જેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. આ લોક દરબારમાં ૭ થી ૮ જેટલી ગંભીર ફરિયાદો નોંધાઈ છે અને તે આધારે ગુનાઓ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વ્યાજખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી જણાશે તો પાસા હેઠળ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે.

લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ મળે તે માટે પોલીસ દ્વારા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦થી વધુ બેંકો જોડાઈ હતી, જેથી લોકોને સરળ શરતો પર લોન મળી રહે અને તેઓ ઊંચા વ્યાજના કરજથી દૂર રહી શકે.

આ સાથે ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ પોલીસે ચોરાયેલા અને ગુમ થયેલા મુદ્દામાલને મૂળ માલિકોને પરત આપવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે ૯.૬૦ લાખ રૂપિયાની કિંમતના ૩૧ મોબાઈલ ફોન અને સોનાના દાગીના માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા, જેનાથી નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં ડીવાયએસપી જે.એમ. આલ, સમીર સારડા, પીઆઈ રાકેશ પટેલ, વી.એન. પરમાર સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જમીન પરત ન આપતા વ્યાજખોર સામે અરજદારની વ્યથા માટેલ ગામના રોહિત નામના અરજદારે પોતાની વ્યથા રજૂ કરતાં જણાવ્યું હતું કે તેમના પિતાએ લગ્ન પ્રસંગે ૧૫% વ્યાજે ૫ લાખ રૂપિયા લીધા હતા. બાદમાં જમીન છોડાવવા માટે વ્યાજખોરે ૧૦ લાખની માંગણી કરી, જે પરિવાર દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. છતાં, રૂપિયા ચુકવ્યા બાદ પણ વ્યાજખોરે જમીન પરત આપવાનું ટાળ્યું અને અંતે ઈનકાર કર્યો. અરજદારે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાની ગંભીર રજૂઆત પણ કરી છે. જિલ્લા પોલીસ વડાએ અંતમાં નાગરિકોને અપીલ કરી હતી કે જો કોઈ વ્યાજખોરનો ભોગ બન્યો હોય તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે — પોલીસ તેમની સુરક્ષા અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!