મોરબી: મોરબી જિલ્લાની પોલીસ દળે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હળવદ પોલીસ દ્વારા હળવદ નજીક આવેલા નવજીવન વિકલાંગ સેવાશ્રમની મુલાકાત લેવામાં આવી, જ્યાં દિવ્યાંગ બાળકો સાથે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમવામાં આવી હતી. આ મેચ દરમિયાન ડીવાયએસપી એસ .એચ. સારડાએ બોલિંગ અને બેટિંગ કરી હતી,જ્યારે હળવદ પીઆઈ આર .ટી.વ્યાસ દ્વારા વિકેટકીપરિંગ કરવામાં આવી હતી અને હળવાશ ની પળો માં પોલીસ દિવ્યાંગ અને બાળકો વચ્ચેની આ રમત દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી, જે એક હૃદયસ્પર્શી દ્રશ્ય હતું.
આશ્રમની અનોખી પ્રવૃત્તિઓ
હળવદ નજીક આવેલ નવજીવન વિકલાંગ સેવાશ્રમમાં દિવ્યાંગ બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આશ્રમમાં 25 જેટલા બાળકો રહે છે, પરંતુ હાલ વેકેશનને કારણે માત્ર 7 બાળકો હાજર હતા. અહીં દિવ્યાંગ બાળકોને સમાજમાં સ્થિરતા અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના પ્રયાસો કરવામાં આવે છે.આ બાળકો જીવનમાં કંઈ કરી શકશે નહીં, એવી સામાન્ય માન્યતાઓને ખોટી ઠેરવીને, આ આશ્રમમાં તેઓ દીવડા અને ફાઈલો બનાવવાની કળામાં પારંગત થાય છે. આ ઉપરાંત, રમતગમત અને વિવિધ કલા-હસ્તકલા પ્રવૃત્તિઓ દ્વારા તેમની માનસિક અને શારીરિક ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવે છે.
પોલીસ દ્વારા સુંદર પહેલ
મોરબી પોલીસના અધિકારીઓએ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજીને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને તેમની સાથે લાગણીસભર સમય વિતાવ્યો. આ ઘટનાએ સમાજમાં પોલીસની એક નવા પ્રકારે સંવેદનશીલ અને માનવીય છબી ઉભી કરી છે.આશ્રમ દ્વારા કરવામાં આવતી સેવાઓને બિરદાવતા પોલીસ અધિકારીઓએ આશ્રમ માટે વધુ સહાયતા આપવાની નિશ્ર્ચયતા વ્યક્ત કરી હતી.આપણે સહુએ આવી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લઈને દિવ્યાંગ બાળકોને સશક્ત બનાવવા અને તેમને સમાન તકો આપવા પ્રયાસ કરવા જોઈએ.