મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વચગાળાની રજા પર છૂટ્યા બાદ ફરાર થયેલા આજીવન સજાના કેદી શૈલેષ ઉર્ફે તીતલી પોપટને કલોલ જી. ગાંધીનગરથી ઝડપી પાડી ફરી રાજકોટ જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા તથા પેરોલ જમ્પ કરેલ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેના અનુસંધાને મોરબી ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સતત મોનિટરિંગ અને ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં રાજકોટ જીલ્લા જેલમાં સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઈ ચાવડા રહે. રાજપરા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળો તા.૧૭/૧૨/૨૦૨૫ના રોજ ૧૦ દિવસની વચગાળાની રજા પર મુક્ત થયો હતો. રજાની મુદત પૂર્ણ થતાં તા.૨૮/૧૨/૨૦૨૫ના રોજ તેને રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર રહ્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડે ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસથી મળેલ ખાનગી બાતમીને આધારે આરોપીને કલોલ ખાતે તળાવ રોડ વિસ્તારમાં એમ.કે. મોબાઇલ પાસે દરોડો પાડી આરોપી શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઈ ચાવડાને ડિટેઇન કર્યો હતો. હાલ તેને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ફરી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.









