ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બુથ લેવલ ઓફિસર (B.L.O.)ની કામગીરી આંગણવાડી બહેનોને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીને કારણે હજારો કુપોષિત બાળકો ઉપર અવળી અસર થાય તે રીતે આંગણવાડી વર્કરને બીએલોની કામગીરી સોંપવાનું બંધ કરવા તથા તે કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન (જી.એ.કે.એસ) દ્વારા સરકારને રજૂઆત કરાઈ છે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન (જી.એ.કે.એસ) દ્વારા મુખ્યમંત્રી, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી, મહિલા અને બાલ વિકાસ વિભાગના સચિવ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનરને આવેદન પાઠવતા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઝીરોથી છ વર્ષના બાળકોના કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કર તથા હેલ્પરો, આઇ.સી.ડી.એસ. વિભાગની રોજરોજની સતત કામગીરી, ઉપરાંત હાલમાં પણ વધારાની કામગીરીના બોજ તળે મુશ્કેલીનો સામનો કરી રહેલ છે. કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના અનેક પ્રકારના મોબાઈલ એપ્લિકેશનથી નિયમ મુજબના કલાકો કરતા પણ મોડી સાંજ સુધી કામગીરી બજાવે છે. આશ્ચર્યજનક રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના તાબા તળે હજારોની સંખ્યામાં સરકારી નોકરીયાતો પ્રાપ્ત હોવા છતાં, તેમજ હજારોની સંખ્યામાં શિક્ષકો, તેમજ લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો, પ્રાપ્ત હોવા છતાં આંગણવાડી વર્કરોને ચૂંટણીની બી.એલ.ઓ તરીકેની કામગીરી જિલ્લાઓમાં આપવામાં આવી રહી છે. આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે જ છે પરંતુ બી.એલ.ઓ.ની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેવી હાલતમાં જ નથી. એક તરફથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા ફરજિયાત રીતે આઈ.સી.ડી.એસ.નું પોષણ આપવા આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી નાખવાનું, પી.એચ.આર વિતરણ કરવાની સો ટકા કામગીરી કરવા માટેનું સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ ન બની શકે.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકો માતાઓ અને કુપોષણ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી હોવાને કારણે નામદાર કોર્ટોએ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ Icds સિવાયની કોઈપણ કામગીરી સોંપવામાં ન આવે તેવા પ્રકારના આદેશો તથા પરિપત્રો પણ કરવામાં આવેલ છે.આ બહેનો lcds અને ચૂંટણીના બી.એલ.ઓ તરીકેની કામગીરીને એક સાથે ન્યાય આપી શકે નહીં અને આ નવી આવેલી વધારાની કામગીરીને કારણે હજારો કુપોષિત બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર ગંભીર અસર ઊભી થશે. સરકાર તથા ચૂંટણી પંચ સમક્ષ અન્ય વૈકલ્પિક કર્મચારીઓ પ્રાપ્ત હોવા છતાં આંગણવાડી વર્કરોને જ આ કામ સોંપવાનો આગ્રહ ન સમજી શકાય તેવો છે. આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલોની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અને આ કામગીરી કેન્દ્ર તથા રાજ્ય સરકારના તેમજ જિલ્લા પંચાયતના હજારો સરકારી નોકરીયાતો કે જેની પાસે વધુ કામગીરીનો બોજ નથી તેવા કર્મચારી કે લાખો શિક્ષિત બેરોજગારો, સોંપવામાં આવે તેવો એસ.ઓ.એસ. નિર્ણય કરવા માટે વિનંતી કરાઈ છે