એક મહિના બાદ માતા-પુત્રનું મિલન થતાં બંનેના આખમાં હર્ષના આંસુ છલકાયા
કોઇ અસ્થિર મગજની મહિલા મોરબીના અદેપર ગામે ભૂલી પડી અને ગામના સરપંચે ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇનને ફોન કરીને જાણ કરી અને સખી વન સ્ટોપ સેન્ટરને જાણ કરતાં, મહિલાને આશ્રય આપતું રાજ્ય સરકારનું સાહસ એટલે સખી વન સ્ટોપ સેન્ટર. જ્યાં આ મહિલાને કાઉન્સેલીંગ કરીને ફરી પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી અને સફળતા પણ મળી.
વાત છે ગત તા.૪ થી જૂનની મોરબીના અદેપર ગામની જ્યાં કોઇ અસ્થિર મગજની મહિલા ભૂલથી આવી પહોચી હતી. ગામના સરપંચે ૧૮૧ મહિલા અભિયમને જાણ કરી અને આ અસ્થિર મગજની મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં રીફર કરીને યોગ્ય કાઉન્સેલીંગ અને માનસીક સારવાર કરવામાં આવી.
મોરબી જિલ્લાના મહિલા અને બાળ અધિકારી એજાઝ મંન્સુરી તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધીકારી નિલેશ્વરીબા ગોહીલના માર્ગદર્શન હેઠળ સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા આવેલ મહિલાનું કાઉન્સેલીંગ કરી તેમના પરીવારની શોધ-ખોળ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને અંતે સફળતા પણ મળી.
મહિલાનું કાઉન્સેલીંગ કરતાં જાણવા મળ્યું કે, આ મહિલા ૧ મહિના પહેલા જૂનાગઢ થી એકલા નીકળી ગયા હતા અને ત્યાંથી ભૂલથી મોરબીના અદેપર ગામે પહોંચ્યા હતા. જોકે, અદેપર ગામના સરપંચે સમય સૂચકતા વાપરીને ૧૮૧ મહિલા અભયમ્ નો સંપર્ક કરાયો હતો, જ્યાંથી ૧૮૧-મહિલા અભયમ દ્વારા તે મહિલાને આશ્રય માટે સખી-વન સ્ટોપ સેન્ટર પર રીફર કરવામાં આવ્યા હતા.
મહિલા જૂનાગઢ ના હોવાથી જૂનાગઢ ના પોલીસ સ્ટેશનનો સંપર્ક સખી- વન સ્ટોપ સેન્ટર –મોરબીના સ્ટાફ દ્વારા કરવામા આવ્યો હતો. જૂનાગઢ પોલીસ સ્ટાફની મદદથી મહિલાના જ્ઞાતિના આગેવાન સાથે વાતચીત દરમિયાન મહિલાના પરિવાર વિશે માહીતી મેળવવામાં આવી અને તે પરથી જાણવા મળ્યું કે મહિલા જૂનાગઢ માં તેમના પરીવારમાં બે બાળકો સાથે જ રહેતા હતા.
મહિલાના પુત્રનો સંપર્ક થતા મહિલાને લેવા માટે જૂનાગઢ થી મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા. માત-પુત્રનો મિલાપ થતા બન્નેના આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. મહિલા અને તેના પુત્રોએ સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફનો ખૂબ જ આભાર માન્યો હતો. આમ, મોરબીના સખી વન સ્ટોપ સેન્ટર અને ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન દ્વારા બે બાળકની માતાને પોતાના પરિવાર સાથે ફરીથી મિલન કરાવ્યું હતું.