મોરબીની સંકલ્પ નવરાત્રીમાં અંગદાન-દેહદાનના સંકલ્પ લઈને વીર ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે તેમની આરતી થતા દેશ ભક્તિનો માહોલ છવાયો હતો. તેમજ મહિલા સફાઈ કર્મીઓનું વિશેષ સન્માન કરાયું હતું. જયારે છઠ્ઠા નોરતે ગરબા રમવા ખેલૈયાઓનો સેલાબ ઉમટ્યો હતો.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજીત સંકલ્પ નવરાત્રીમાં છઠ્ઠા નોરતે જાણે ખેલૈયાઓનો સેલાબ ઉમટયો હોય તેમ હૈયે હૈયું દળાઈ તેટલી ભીડ જોવા મળી હતી. આ વેળાએ શહીદ ભગતસિંહની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ મોટી સંખ્યામાં અંગદાન અને દેહદાનના સંકલ્પ લઈને વીર ભગતસિંહને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિ હતી. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનો નિઃશુલ્ક પ્રવેશ મેળવી સલામત અને ધાર્મિક વાતાવરણમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહી છે. ગઈકાલે છઠ્ઠા નોરતે શનિવાર હોય ખેલૈયાઓની એટલી ભીડ જામી હતી કે અહીં ગ્રાઉન્ડનો સમિયાણો પણ ટૂંકો પડ્યો હતો. ગત રાત્રીએ સ્ત્રી શક્તિની પૂજા અંતર્ગત આપણા શહેરને સ્વચ્છ રાખતા એવા મહિલા સફાઈ કર્મીઓનું વિશેષ સન્માન કરી તેઓની કામગીરીને બિરદાવામાં આવી હતી.
ગત રાત્રીએ શહીદ ભગતસિંહની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહીદ ભગતસિંહના બલિદાનને યાદ કરી તેઓની આરતી કરવામાં આવતા દેશભક્તિનો માહોલ છવાયો હતો. સાથોસાથ આ વેળાએ 240 લોકોએ અંગદાન અને 30 લોકોએ દેહદાનનો સંકલ્પ લઈને વીર ભગતસિંહને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા નોરતે સંકલ્પ નવરાત્રીમાં મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ પી.વી.શ્રીવાસ્તવ, મોરબી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.પી.શાહ, મોરબી ચીફ જ્યૂડીસીયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ જે.જે.ગઢવી, સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ સી.વાય. જાડેજા, માળિયા જ્યૂડીસીયલ મેજિસ્ટ્રેટ પી.પી.સિંઘ, સરકારી વકીલ વિજયભાઈ જાની, બાર એસો.ના પૂર્વ પ્રમુખ જીતુભા આર.જાડેજા અને વાંકાનેર તથા ટંકારા પાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના અતિથિઓની ઉપસ્થિતિ રહી હતી. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, સંકલ્પ નવરાત્રી મહોત્સવ જે માતાજીની આરાધનાનો ધાર્મિક ઉત્સવ છે. સમાજનો એવો વર્ગ જે નવરાત્રીની ઉજવણીમાં સામેલ થઈ શકતો નથી તેને સામેલ કરી તેમજ સેવાકાર્ય કરતા લોકોનું વિશેષ સન્માન કરીને આ મહોત્સવને સામાજિક પણ બનાવવામાં આવી રહ્યો છે. આની સાથે જ છઠ્ઠા નોરતે વીર શહીદ ભગતસિંહની જન્મજયંતીએ વિશેષ કાર્યક્રમ યોજતા આ મહોત્સવમાં ધાર્મિકતા અને સામાજિકતા સાથે દેશભક્તિનો સમન્વય સર્જાયો છે.