૬૫૬ કેન્દ્રોમાં ૬૬,૮૭૫ વિદ્યાર્થીઓ આપશે સંસ્કૃત ગૌરવ પરીક્ષા.
મોરબી: સંસ્કૃત ભારતી સંસ્થાની પ્રેરણાથી આ વર્ષે ૬ ડિસેમ્બરે ગુજરાતના ૬૫૬ કેન્દ્રોમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાશે. ચાર સ્તરોમાં રચાયેલી આ પરીક્ષામાં કુલ ૬૬,૮૭૫ વિદ્યાર્થીઓ જોડાશે, જે રાજ્યમાં સંસ્કૃત ભાષા પ્રત્યે વધતા રસનું પ્રેરણાદાયી પ્રતિકની સાબિતી છે.
સંસ્કૃત ભારત નિર્માણમ્, સમર્થભારત સોપાનમ્ ના ધ્યેય સાથે સંસ્કૃતભારતી સંસ્થા સમગ્ર વિશ્વના ૨૮ દેશોમાં સંસ્કૃત પ્રસારનું કાર્ય કરી રહી છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સંસ્થા દ્વારા વિવિધ આયામો અંતર્ગત વર્ષોથી સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ રહી છે, જે સંસ્કૃત ભાષા પ્રચારનો એક મહત્વપૂર્ણ ઉપક્રમ બની ગયો છે. આ વર્ષે પણ ગુજરાતમાં સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ દ્વારા ૬ ડિસેમ્બરે ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ૬૫૬ પરીક્ષા કેન્દ્રોમાં કુલ ૬૬,૮૭૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ અને સામાજિક વર્ગમાંથી આવી રહેલી આટલી મોટી સંખ્યા દર્શાવે છે કે સંસ્કૃત ભાષા પ્રત્યેનું પરંપરાગત આકર્ષણ ફરી જીવંત થઈ રહ્યું છે.
પરીક્ષાનો અભ્યાસક્રમ સંસ્કૃત સંભાષણને સરળ બનાવે એ રીતે બનાવવામાં આવ્યું છે. તેમાં ચાર સોપાનો પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદિકા અને પ્રવાહીકાનો સમાવેશ થાય છે, જેનાથી વિદ્યાર્થી ધીમે ધીમે સંસ્કૃત સંવાદમાં નિપુણતા પ્રાપ્ત કરી શકે છે. પુસ્તકોની રચના એવી રીતે કરવામાં આવી છે કે વિદ્યાલયના વિદ્યાર્થીઓ સરળતાથી સંસ્કૃત તરફ આકર્ષાય. વિદ્યાર્થીઓ ઉપરાંત સામાજિક લોકો પણ આ પરીક્ષા આપવા માટે યોગ્ય હોવાથી વ્યક્તિગત પરીક્ષાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. સામાન્ય રીતે જૂન મહિનામાં શરૂ થતા આ પરીક્ષાના પંજિકરણ બાદ ડિસેમ્બરમાં પરીક્ષા લેવામાં આવે છે અને વસંત પંચમીએ પરિણામ જાહેર થાય છે. પરીક્ષાની તૈયારીને વધુ અસરકારક બનાવવા સંસ્કૃત ગૌરવ પરીક્ષાના એપ્લિકેશનમાં જ પ્રશ્ન બેંક આપવામાં આવી છે, જેમાં રમતિયાળ પદ્ધતિથી વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન ચકાસી શકે છે. આ સુવિધાઓને કારણે પરીક્ષાર્થીઓની સંખ્યા અને પરીક્ષાપ્રેમ દર વર્ષે વધતો રહે છે, જેના કારણે અનેક કેન્દ્ર સંયોજકો પરીક્ષાને “પરીક્ષા ઉત્સવ” તરીકે અનુભવી રહ્યા છે.
ગુજરાતના ૬૫ ટકા કરતાં વધારે તાલુકાઓમાં કેન્દ્રો ઉપલબ્ધ થતા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ચારેય સોપાનો પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને આગળ પત્રાચાર દ્વારા સંસ્કૃત અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક પુનઃઉત્થાન વધુ મજબૂત બને છે.









