મોરબીમાં ગઈકાલથી લાગુ થયેલ રાત્રિ કર્ફ્યુ આગામી ૩૦ એપ્રિલ સુધી ચાલનાર છે ત્યારે મોરબીની સીરામીક સહિતની વિવિધ ફેકટરીઓમાં કામ કરતા કર્મચારીઓનાં સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટા ભાગની ફેકટરીઓમાં આશરે 80 ટકા જેટલો શ્રમિકવર્ગ ફેકટરી સ્થિત લેબર ક્વાર્ટરમાં જ રહેતો હોય મોરબી શહેર કે આજુબાજુના વિસ્તારમાંથી આવતા સુપરવાઇઝર, ક્લાર્ક સહિતના અન્ય કર્મચારીઓએ સમયસસર ઘરે પહોંચી શકે તે માટે ફેકટરી સંચાલકોએ આવા કર્મચારીઓ માટે સમયપત્રકમાં ફેરફાર કરી સમયપત્રક સાંજે ૭ વાગ્યા સુધી સીમિત કરી દેવામાં આવ્યું છે. આ અંગે મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશ જેતપરિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તંત્રના જાહેરનામાને અનુસરવા માટે દરેક ફેકટરી સંચાલકોએ સ્વાભાવિકપણે આ નિર્ણય લીધો છે.