મોરબીના શનાળા ગામ નજીક નવી મેડિકલ કોલેજ પાસે પગપાળા જતા સિક્યુરિટી ગાર્ડને પુર ઝડપે આવતી કારે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલ પીડિતે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વીરપર ગામના રહેવાસી અને હાલ મોરબી ૨વાપર રોડ, યદુનંદન પાર્કમાં રહેતા ૨૫ વર્ષીય રમેશભાઈ રમણીકભાઈ શનાળીયા સિકયુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તેઓ તા. ૨૭/૦૮ના રોજ સવારે પગપાળા શનાળા ગામ નજીક નવી મેડિકલ કોલેજ નજીક ટોયોટા કંપની પાસે પહોંચ્યા ત્યારે રસ્તો ક્રોસ કરતા હોય તે દરમિયાન એક સફેદ હોન્ડા સિટી કાર રજી.નં. જીજે-૦૩-જેએલ-૮૦૦૫ એ તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં તેઓને માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને રમેશભાઈને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે, તા. ૨૮/૦૮ ના રોજ તેઓ ભાનમાં આવ્યા બાદ ફરિયાદી રમેશભાઈએ પોલીસને જણાવ્યું કે, હોન્ડા સિટી કારનો ચાલક બેફિકરાઈપૂર્વક અને વધારે ફૂલ સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.