વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪ માં નોંધાયેલા ગંભીર ગુનામાં મોરબી સેશન્સ કોર્ટે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટીને પરિણીત પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દેવાના કેસમાં દોષિત ઠેરવ્યો છે. કોર્ટ દ્વારા આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ આરોપીને આજીવન કારાવાસ અને દંડની સજા ફટકારવામાં આવી છે.
કેસની ટુક વિગત મુજબ, ફરીયાદી સીતાબેન મહેન્દ્રભાઈ ખચુભાઈ કરાર સાથે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી રહે. વાંકાનેર વાળાને છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો. ત્યારે તા.૧૩/૦૯/૨૦૧૪ના રોજ આરોપી ફરીયાદીના ઘરે જઈ તેણીને પતિ તથા બાળકોને છોડી પોતાની સાથે રહેવા આવવા દબાણ કર્યું હતું. ત્યારે આ વાત અંગે ફરીયાદીએ ઇનકાર કરતા આરોપીએ ગાળો આપી કહ્યું કે, “જો તું મારી નહીં થાય તો તારા પતિની પણ નહીં થવા દઉં.” તેમ કહી આરોપીએ ફરીયાદીના ઘરના રસોડામાંથી કેરોસીનનું ડબલું લઈ તેણીના આખા શરીરે કેરોસીન છાંટી મારી નાખવાના ઈરાદા સાથે દીવાસળી સળગાવી આગ ચાંપી નાસી ગયો હતો. આ ગંભીર બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭ અને ૫૦૪ મુજબ ગુનો નોંધાયો હતો. કેસની તપાસ પૂર્ણ થયા બાદ આ કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો.
ત્યારે ઉપરોક્ત કેસમાં સાક્ષીઓ અને સરકારી વકીલ વિજય જાની દ્વારા કરવામાં આવેલ દલીલો બાદ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ શ્રીવાસ્તવ સાહેબે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટીને આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ દોષિત ઠેરવી આજીવન કારાવાસ તથા રૂ.૩૫,૦૦૦/- દંડની સજા ફટકારી છે. દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ તરીકે વિજયભાઈ જાની રોકાયેલ હતા.









