મોરબીમાં આશરે ૧૪ કરોડના ખર્ચે ભાજપના શ્રી કમલમ કાર્યાલય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.જેના કામનુ આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું.તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ૨૦૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા,સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પાટીલ દ્વારા સ્ટેજ પર બિરાજમાન સાંસદ ધારાસભ્ય અને નેતાઓ પાસેથી રમુજી શૈલીમાં જાહેરમાં જ ફાળા ની ઉઘરાણી શરૂ કરી દીધી હતી.
મોરબીમાં અત્યાર સુધી જેમ જેમ પ્રમુખ બદલતા હતા તેમ તેમ જિલ્લા ભાજપ ના કાર્યાલય પણ બદલતા હતા ત્યારે હવે મોરબી જિલ્લા ભાજપ ના નવા કાર્યાલય શ્રી કમલમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ૧૪ કરોડના ખર્ચે આ અદ્યતન સુવિધાઓ સાથે બનનારા આ કાર્યાલય ના કામનું આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાત મુર્હૂત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એ જણાવ્યું હતું કે મોરબી સિરામિક નું મોટું હબ છે.અનેક થપાટો ખાધા બાદ મોરબી વારંવાર ઉભુ થયું છે અનેક દુર્ઘટનાઓ આવી તો પણ મોરબી ગભરાયું નથી ફરી સિરામિક ઉદ્યોગ ઊભો થયો છે.ભારતીય જનતા પાર્ટી નો જે વિકાસ થઈ રહ્યો છે ધાડે ધાડા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે નાનું કાર્યાલય ના ચાલે એ માટે મોટું કાર્યાલય બનાવવા નુ કામ આખા દેશમાં ચાલે છે.નવા ભાજપ કાર્યાલય બનાવવામાં ગુજરાત મોખરે છે.એક વાર સુરેન્દ્રનગર જઈને જોઈ આવજો તેના કરતાં સારું કાર્યાલય બનવું જોઈએ.ત્યાં 10.50 કરોડ ના ખર્ચે કાર્યાલય બનાવ્યું.કેટલાક લોકોએ આમારી વાત ને ટવીસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો એને આજે પણ કરશે એ લોકોનું કામ જ એ છે.કોઇ એક વ્યક્તિ કાર્યાલય બનાવે એવા મોરબીમાં ઘણા લોકો છે પણ એ માલિકી હક થઈ જાય પણ આપણે બધા સાથે મળી ને કાર્યાલય બનાવવાનું છે.
તેમજ આ કાર્યાલય બનાવવા માટે અપાયેલ યોગદાન ની રકમ જણાવતા સી આર પાટીલ એ જણાવ્યું હતું કે 1 કરોડ 11 લાખ મોહન ભાઈ કુંડારિયા એ આપ્યા અને કાંતિભાઈ દ્વારા પણ ઓછા તો લખાવવામાં આવે નહિ.ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા એ 51 લાખ,પ્રકાશ વરમોરા એ સુરેન્દ્રનગરમાં પણ 51 આપ્યા અને અહીંયા 1 કરોડ 11 લાખ આપ્યા. બ્રિજેશ ભાઈ મેરજા એ 11 લાખ નું અનુદાન આપ્યું છે.તેમજ સી આર પાટીલએ જણાવ્યું હતું કે પાંચ સાંસદ અને પાંચ ધારાસભ્યો મોરબી જિલ્લામાં લાગે છે.સાંસદ વિનોદ ચાવડા સાંસદ દ્વારા પણ 25 લાખ અનુદાન આપ્યું છે તેમજ સાંસદ કેસરિદેવ સિંહને પણ તાત્કાલિક ફોન કરતા 51 લાખ રૂપિયા તેમના તરફથી પણ આપવામાં આવ્યા હતા.આ સાથે જ સી આર પાટિલે સ્ટેજ પર જ બધા પાસે યોગદાન ની ઉઘરાણી કરતા રમુજી માહોલ સર્જાયો હતો.તેમજ જે લોકો 11000થી વધુ નુ યોગદાન આપશે તેઓના નામ ની તકતી લગાવવાની પણ જાહેરાત સી આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી.
વધુમાં સી આર પાટીલ દ્વારા રાજકીય ભાષામાં કંઇક ગુપ્ત સંદેશ આપતા વાત કરી હતી કે મોહનભાઈએ બધાને કહ્યું છે કે આ કામ એક વ્યક્તિને કરવું નથી…કાંતિ અમૃતિયા એ કીધું કે મોહન ભાઈ ને ના પાડી દો તો હું એકલો કરી દઉં.. ત્યારે ઉલ્લેખનીય છે કે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે સી આર પાટીલ ની વાત ને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે.