રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદનને લઇને મોરબી રાજપૂત કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો છે. કરણી સેનાએ પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કર્યું છે. પરસોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.
મળતી માહિતી અનુસાર, રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેનો વિશે ટિપ્પણીને લઇને મામલો ગરમાયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ક્ષત્રિય સમાજની અલગ અલગ પાંખ દ્વારા કોઈ કાળે સમાધાન નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. અને ઠેર ઠેર પરસોતમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને પરસોતમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ. રાજપૂત કરણી સેના દ્વારા પૂતળા નું દહન કરતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિત સાત આગેવાનોની અટકાયત કરી હતી.