મોરબીમાં પોસ્ટ ઓફિસ પાછળના ભાગે આવેલ હોજીયરીની દુકાનમાં આવેલ ગ્રાહકની ઇકો કાર દુકાન પાસે પાર્ક કરી હોય જે ત્યાંથી ટેમ્પો લઇ નીકળેલ આરોપીને નડતી હોય જેથી બેફામ અપશબ્દો બોલી ઇકો કાર હટાવવાનું કહી માર મારી અન્ય સાગરીતોને બોલાવી લાવી દુકાન માલિક સહિત તેના પુત્ર, ભાઈ તથા દુકાનમાં કામ કરતા કર્મચારી ઉપર લોખંડના પાઇપ, ધારિયા તથા છરી વડે આડેધડ માર મારી ત્યાંથી તમામ નાસી છૂટયા હતા, અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં વૃદ્ધ દુકાન માલિક તથા તેના પુત્રને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી નીકળતી હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. હોસ્પિટલ બિછાનેથી છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં મેઈન પોસ્ટ ઓફિસ પાછળ બુઢ્ઢાબાવાની લાઇનમાં આવેલ જય એન્ટરપ્રાઇઝ નામની હોઝીયરીની દુકાનમાં આવેલ ગ્રાહક કે જેઓ ઇકો કાર લઈને આવ્યા હતા જે ઇકો કાર દુકાન પાસે પાર્ક કરી હોય ત્યારે ત્યાંથી ૪૦૭ ટેમ્પો લઇને નીકળેલ આરોપી ફેઝાન ગફારભાઈ ખોલેરા એ ઇકો કાર હટાવવાનું કહેતા દુકાન માલિક નો પુત્ર ઇકો કાર હતાવતો હોય તો પણ આરોપી ફેઝાન બેફામ ગાળો બોલી દુકાનમાં કામ કરતા કર્મચારીને એક ફડાકો મારી દીધા બાદ સમાધાન કરી આરોપી ફેઝાન ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ઉપરોક્ત બનાવ બાદ આરોપી ફેઝાન પોતાની સાથે અન્ય પાંચ સાગરીતો છરી, પાઇપ તથા ધારિયા જેવા હથિયાર લઇ આવી દુકાનમાં આતંક મચાવ્યો હતો. જેમાં દુકાન માલિક પંકજભાઈ મેઘજીભાઈ પલાણ ઉવ. ૬૨ તથા તેમનો પુત્ર વૈભવ તથા પંકજભાઈ ભાઈ મહેન્દ્રભાઈ તથા દુકાનમાં કામ કરતો કર્મચારી ચારેયને છરી, ધારિયા તથા લોખંડના પાઇપ તેમજ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેમાં પંકજભાઈ અને તેના પુત્રને છરીના હાથા સાઈડના ભાગ માથામાં ઘા મારી તથા તેમના પુત્ર વૈભવને લોખંડના પાઇપ અને ધારિયાથી ઘા મારી લોહી લોહાણ કર્યા હતા જ્યારે તેના ભાઈ અને દુકાન કર્મચારીને મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે બંને પિતા-પુત્રને ગંભીર ઈજાઓ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા હતા.
વધુમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ દુકાન માલિક પંકજભાઇ મેઘજીભાઇ પલાણ ઉવ.૬૨ રહે.મોરબી નાગર પ્લોટ શેરી નં.૨ શ્રીરામ પેલેસ ત્રીજા માળે બ્લોક નં.૩૦૨ એ હોસ્પિટલ બિછાનેથી આરોપી ગુલામભાઇ હાજી જુસબભાઇ ખોલેરા રહે. ફુલગલી ખાટકીવાસ મોરબી, ફેઝાન ગફારભાઇ ખોલેરા રહે.કુબેરનાથમેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, ઇદરીશ ગફારભાઇ ખોલેરા રહે.કુબેરનાથમેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, કૃણાલ રમેશભાઇ કૈલા રહે.મોચી શેરી ગ્રીન ચોક પાસે મોરબી, ઇમરાન ગુલામભાઇ ખોલેરા રહે.ફુલગલી ખાટકીવાસ મોરબી, નાઝીર ઇસુબભાઇ દેવલીયા રહે.લુહાર શેરી મેમણ કોલોની પાસે મોરબી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.