સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથેના ફોટા અપલોડ કરનાર સામે પોલીસ ગુના નોંધી કાર્યવાહી કરી રહી છે. પરંતુ તેમ છતાં કેટલાક શખસો હજુ પણ આ બાબતે કાયદાની પરવાહ કર્યા વગર આવા ફોટા અપલોડ કરતા હોય છે. ત્યારે મોરબીના એક યુવકે હથિયાર સાથેનો ફોટો ઇસ્ટાગ્રામ પર અપલોડ કરતા મોરબી એસ.ઓ.જી. ટીમે એક યુવક તથા હથિયારનાં પરવાને ધારક વૃદ્ધને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે મોરબી એસ.ઓ.જી. પી.આઇ. એમ.પી. પંડ્યાએ સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમા વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયાએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.માં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અન્વયે મળેલ બાતમીનાં આધારે ઇન્સ્ટા યુઝર આઇ.ડી. વાળા ઇસમનું નામ સરનામુ મેળવી પંચાસીયા ગામે એસ.ઓ.જી.ટીમ સાથે તપાસ કરતા બીજાના પરવાના વાળા હથિયારના ફોટા પોસ્ટ કરનાર વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા (રહે. પંચાસીયા તા.વાંકાનેર જી,મોરબી) નામનો ઈસમ તથા હંસરાજભાઇ કુંવરજીભાઇ કોઢીયા (રહે.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી) નામના ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.