મોરબી એસ.ઓ.જી ટીમે મોરબી તાલુકા વિસ્તારમાં બધુનગર ખાતે આવેલ બાપા સીતારામ કોમ્પ્લેક્ષ દુકાન નં-૧૧૦ માં રેઇડ કરી એક ઇસમને નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો છે. મોરબી એસ.ઓ.જી.એ નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો ૧ કિલો ૨૬૭ ગ્રામ જથ્થો કિંમત રૂ.૧૨,૬૭૦ સહિત કુલ ૩૦,૦૭૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાએ ગેર કાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના આપી હતી. જે અંતર્ગત એન.આર.મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન એ.એસ.આઇ. મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ કરશનભાઇ ખાંભલીયાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી કે, અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઇ માણેકીયા રહે. વાંકાનેર વાળો બંધુનગર ગામે વેરોના ગ્રેનીટો પ્રા.લી. સીરામીક સામે આવેલ કોમ્પ્લેક્ષમાં પોતાના કબજા ભોગવટાવાળી દુકાન નં.૧૧૦ માં ગેર કાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તે બાતમીના આધારે પંચો તેમજ પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરી આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઇ માણેકીયાને નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો ૧ કિલો ૨૬૭ ગ્રામ જથ્થો જેની કિંમત રૂ.૧૨,૬૭૦/-, ૧ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૫,૦૦૦/-, ૧ નંગ ડીજીટલ વજનકાંટો કિંમત રૂ. ૨,૩૦૦/- તેમજ રોકડ રૂ.૨૧૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૭૦/- ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી એન.ડી.પી.એસ. એક્ટની કલમ.૮(સી), ૨૦ (બી),૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.મોરબી, એ.એસ.આઇ મુકેશભાઇ જોગરાજીયા, મદારસિંહ મોરી, મનસુખભાઇ દેગામડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઇ ખાંભલીયા તેમજ અંકુરભાઇ ચાંચું અને અશ્વિનભાઇ વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.