રાજપૂત કરણી સેના સહિત અનેક આગેવાનો સાથે ભવ્ય સ્વાગત, યુવાનોને આઈ.એ.એસ.-આઈ.પી.એસ. બનવા અને સમાજના રાજકીય પ્રભુત્વ વધારવાની અપીલ
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ચાલી રહેલી શ્રી રામદેવ રામાયણ માનસ કથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. શ્રી રામદેવપીરની જગ્યા, કાળુરામ બાપુના આશ્રમ ખાતે યોજાઈ રહેલા આ ભક્તિના મહાકુંભમાં રાજપૂત સમાજના અનેક આગેવાનો સાથે શંકરસિંહ વાઘેલાએ ભવ્ય સ્વાગતનો અનુભવ કર્યો હતો. મહંત શ્રી રવીરામબાપુ (રામદેવપીર જગ્યા)ની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક શ્રી પ્રવિણસિંહ ઝાલા સાદુરકા, પ્રદેશ અધ્યક્ષ શ્રી વી. એસ. જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ શ્રી આર. કે. ઝાલા, ટંકારા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી દિગુભા ઝાલા, ગાંધીનગર યુનિવર્સિટીના પ્રોફેસર કિશોરસિંહ સોલંકી, ગાંધીધામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી હરદેવસિંહ જાડેજા, રાજપૂત કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દોલુભા એમ. જાડેજા, જામનગર જિલ્લા પ્રમુખ શ્રી મુળરાજસિંહ ઝાલા, કાર્યકારી અધ્યક્ષ શ્રી ગિરુભા ઝાલા તેમજ મેઘપર ઝાલા ગામના હજારો ભક્તો અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.
ભવ્ય યાત્રા અને ઉદ્બોધનમાં સમાજ કલ્યાણનો સંદેશ
કથાસ્થળે શ્રી શંકરસિંહજી વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાઘેલાએ સમાજના યુવાનોને વિશેષ માર્ગદર્શન આપતાં કહ્યું કે, “સમાજના દીકરા-દીકરીઓને આઈ.પી.એસ. તેમજ આઈ.એ.એસ. બનાવવા માટે શિક્ષણની જ્યોત જગાવવી જોઈએ.” તેમણે આવનારી ચૂંટણીઓમાં રાજપૂત સમાજના પ્રભુત્વ વધારવા, વધુમાં વધુ સીટો મેળવવા અને જીતીને દરેક સમાજને ઉપયોગી બની સમાજ કલ્યાણના કાર્યો કરવા પર ભાર મૂક્યો.
વાઘેલાએ આગળ કહ્યું કે, “રાજકારણ ક્ષત્રિયોના નસોમાં નદીના પાણીની જેમ વહે છે.” તેમણે રામાપીરના મહિમાનું વર્ણન કરીને પોતાનું ઉદ્બોધન સમાપ્ત કર્યું હતું. આ ઉદ્બોધનથી હાજર યુવાનો અને સમાજના આગેવાનોમાં નવી પ્રેરણા જોવા મળી હતી.
આ કથા તા. ૨૪ ફેબ્રુઆરીથી ૨ માર્ચ, ૨૦૨૬ સુધી ચાલશે અને ગૌશાળાના લાભાર્થે તેમજ સનાતન ધર્મના પ્રચાર માટે આયોજિત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમને લઈને સ્થાનિક રાજપૂત સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.









