મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા જીલ્લા કોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને કાયદા અને ન્યાયવ્યવસ્થા અંગે પ્રાથમિક અનુભવ કરાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોલીસ તંત્રની કામગીરી તથા કોર્ટની પ્રક્રિયાનો અનુભવ મેળવી કાનૂની જ્ઞાનમાં વધારો કર્યો હતો.
મોરબીની જાણીતી નવયુગ લૉ કોલેજ દ્વારા તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જીલ્લા કોર્ટની મુલાકાત લીધી હતી. આ બંને મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કાયદો અને પોલીસ તંત્રની પ્રક્રિયા અંગે જીવંત અનુભવો પ્રાપ્ત કરાવવાનો હતો. વિદ્યાર્થીઓએ સૌપ્રથમ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં પોલીસ અધિકારીઓએ તેમને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો, ગુનાઓની તપાસની પદ્ધતિ અને કાયદાની અમલવારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ અધિકારીઓ સાથેની ચર્ચામાં વિદ્યાર્થીઓએ કાનૂની વ્યવસ્થાના અનેક મહત્વના પાસાઓને સમજ્યા હતા. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ જીલ્લા કોર્ટની મુલાકાત લીધી હતી, જ્યાં ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફ દ્વારા તેમને ન્યાયાલયની કામગીરી, કેસોની સુનાવણી અને ન્યાય પ્રણાલીની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોર્ટના વાતાવરણનો સીધો અનુભવ મેળવવાથી વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે નવી સમજણ વિકસિત થઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાસર તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. નવયુગ લૉ કોલેજના પ્રોફેસર ડિમ્પલબેન અને ધ્વનિબેનના સંકલનથી સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થયું હતું. વિદ્યાર્થીઓએ આ અભ્યાસ પ્રવાસને ખૂબ જ ઉપયોગી ગણાવ્યો હતો અને ભવિષ્યમાં આવી મુલાકાતો વારંવાર યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.