મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં તસ્કરોએ રાત્રિના સમયગાળા દરમિયાન ધામા નાખી પૂર્વ સરપંચ સહિત પાંચ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા જો કે બે મકાનમાંથી ચોરીનો પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ તસ્કરોને એક ઘરમાં રાખેલ કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી ઘરમાંથી લાખો રૂપિયા રોકડ તેમજ 25 તોલા થી વધુના સોનાના દાગીના આમ લાખો રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમ ચોરોને પકડવા દોડતી થઈ છે.
મળતી માહિતી અનુસાર,મોરબી તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલિંગ ના ધજાગરા કરી તસ્કરોએ મોરબી તાલુકા પોલીસને પડકાર ફેંકતા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં ગત રાત્રિના અરસામાં ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ પાંચ મકાનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે ઉપરોક્ત પૈકી બે મકાન માં ઘૂસતી વખતે અવાજ આવવાના કારણ ગ્રામજનો જાગી જતા તસ્કરો અંધારાનો લાભ લઈને નાસી છુટ્યા હતા. જો કે ગ્રામીણ મગનભાઈ શેરસિયાના ઘરમાંથી ૩૦૦ રૂપિયાની ચોરી થવા પામી હતી.તેમજ જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયના રહેણાંક મકાનને નિશાન બનાવીને તસ્કરોએ પાછળનો દરવાજો તોડી હોલમાં પ્રવેશ કર્યો હતો જો કે હોલનો દરવાજો નહિ ખુલતા તસ્કરોએ ઘરની અંદર આગળના ભાગેથી દિવાલ કૂદીને આવ્યા હતા. અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ તસ્કરોએ ઘરની અંદર રાખવામાં આવેલ પેટી પલંગ જેવી સેટી તથા કબાટના માલ સમાનને વેર વિખેર કરી નાખ્યો હતો. અને તેમાં રાખેલ રોકડા રૂપિયા ૬ લાખ તથા બે ડોકિયા, પાંચ નંગ સોનાની બુટ્ટી, ૬ સોનાની વીંટી, બે સોનાના ચેન, ચાર સોનાની બંગડી, સાડા ત્રણ તોલાનું સોનાનું કડુ, ત્રણ તોલાની સોનાની વીંટી, સોનાના ચાર તોલાથી વધુના ત્રણ ચેન મળીને કુલ ૨૮ તોલાના સોનાના દાગીના તસ્કરો ચોરી ગયા છે.જે અંદાજે ૨૫ લાખથી વધુના મુદ્દામાલની જેપુર ગામના પૂર્વ સરપંચના મકાનના અંદરથી તસ્કરોએ ચોરી કર્યાની વિગતો સામે આવી રહી છે. વધુમાં ગામના લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે રાત્રિના અંધારામાં ચોરીની આ ઘટનાને અંજામ આપવા માટે થઈને લગભગ બે શખ્સો ગામમાં આવ્યા હોય તેવી ચર્ચા થઈ રહી છે. જો કે ચોરીની આ ઘટના સામે આવતા હાલમાં પોલીસ તંત્રને દોડતું થઈ ગયું છે અને હાલ મોરબી તાલુકા પોલીસ, એલસીબીની ટીમ તેમજ ડોગ સ્કવોડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ડોગ સ્કવોડની ટીમને સાથે રાખીને તસ્કરોનું પગેરું મેળવવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી અને તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.મોરબી તાલુકા પોલીસ ની નાક નીચે થી ચોરો કળા કરી જતાં નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.