મોરબી શહેરની નિર્મલ સ્કૂલમાં શિક્ષણ કાર્ય દરમિયાન એક શિક્ષકનું પ્રાણ પંખેરૂ ઉડી જતાં શાળા પરિસરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જેમાં ૫૦ વર્ષીય શિક્ષક શાળામાં લેકચર લેતા હતા ત્યારે તબિયત બગડતા તેઓ બેભાન થઈ ગયા હતા. જે બાદ હોસ્પિટલ ખસેડતા ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મોરબી શહેરના રવાપર ચોકડી પાસે આવેલી નિર્મલ સ્કૂલમાં ગઈકાલ તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ દુઃખદ ઘટના બની હતી. શાળામાં ક્લાસ દરમ્યાન શિક્ષક ભાવેશભાઈ પ્રવિણભાઈ અઘારા ઉવ.૫૦ રહે. બાલાજી એપાર્ટમેન્ટ કેનાલ રોડ મોરબી વાળા લેકચર આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક પરસેવો વળવા લાગ્યો તથા ઉલ્ટી થવા લાગી હતી. જે બાદ થોડી જ વારમાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે