મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ૧૦૦૮ ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતાં જે પૈકીના ૬૦૮ મકાનનો આજે પાલિકાના ટાઉનહોલ ખાતે તેનો ઓનલાઈન ડ્રો કરીને લાભાર્થીને આવાસની ફાળવણી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા આવી રહ્યાં છે દરમ્યાન મોરબીમાં ૩૩ કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવાસ યોજનાનાં ૧૦૦૮ મકાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમયાંતરે મકાનો બની ગયા બાદ મકાનોનો ડ્રો કરીને લાભાર્થીઓને આવાસોની સોંપણી કરવામાં આવી હતી જેમાં આ ૧૦૦૮ પૈકીના ૪૦૦ મકાનો લીલાપર રોડ ઉપર સર્વે નંબર ૧૧૧૬માં બનાવવામાં આવ્યાં હતાં જેનો અગાઉ ડ્રો કરવામાં આવ્યો હતો જ્યારે આજે મોરબીના શનાળા બાયપાસ ઉપર સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવાસ યોજનાનાં ૬૦૮ મકાનોનો આજે ડ્રો કરવામાં આવ્યો હતો. આ મકાનો માટે કુલ ૬૪૩ ફોર્મ ભરાયા હતાં. જો કે, લાભાર્થીની બદલે બીજા કોઈ તેના મકાનમાં રહેતા હશે તો તાત્કાલિક અસરથી મકાન પરત લઈ લેવામાં આવશે તેવું પાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ કહ્યું છે. જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, હસુભાઈ પંડ્યા, સુરેશભાઇ દેસાઇ સહિતના મહાનુભાવો તથા પાલિકાના ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં ડ્રો યોજાયો હતો.